New Delhi,તા.7
નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (એનસીઇએલપી)ને છેલ્લાં બે મહિનામાં સૌથી વધુ ઇ-કોમર્સ સંબંધિત ફરિયાદો મળી છે, જેમાં ગ્રાહકોને 3.5 કરોડ રૂપિયાથી વધુ રકમ પરત કરવામાં આવી છે, એમ એક અહેવાલમાં જણાવાયું છે. ગ્રાહક બાબતોનાં મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી.
મંત્રાલયનાં જણાવ્યાં અનુસાર, છેલ્લાં બે મહિનામાં એનસીએચમાં 30 વિસ્તારોને લગતી 15,426 ગ્રાહકોની ફરિયાદો મળી હતી. જેમાંથી કુલ 7.14 કરોડ રૂપિયા ગ્રાહકોને પરત કરવામાં આવ્યાં હતાં. જેમાં સૌથી વધુ 8919 ફરિયાદો ઈ-કોમર્સ સેક્ટરની હતી. જેમાંથી સૌથી વધુ 3.69 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યાં હતાં.
ઈ-કોમર્સ સાથે જોડાયેલી સૌથી વધુ 1,242 ફરિયાદો ઉત્તર પ્રદેશની હતી. સાથે જ 1057 ફરિયાદો ટ્રાવેલ અને ટૂરિઝમ સેક્ટરની હતી, જેમાં 81.41 લાખ રૂપિયા પરત કરવામાં આવ્યાં હતાં. સામાન્ય વીમા સાથે સંબંધિત 101 ફરિયાદોમાં 41.43 લાખ રૂપિયા, એજન્સી સેવાઓ સાથે સંબંધિત 261 ફરિયાદોમાં 38.41 લાખ રૂપિયા અને એરલાઇન્સ સાથે સંબંધિત 186 ફરિયાદોમાં 30.86 લાખ રૂપિયાથી વધુનું રિફંડ મળ્યું છે.
અન્ય ક્ષેત્રોને લગતી 4902 ફરિયાદો હતી, જેમાં 1.53 કરોડ રૂપિયાથી વધુ રકમ પરત કરવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, “25 એપ્રિલથી 30 જૂન, 2025 ની વચ્ચે 7.14 કરોડ રૂપિયાનાં રિફંડમાં મદદ કરવાથી એનસીએચની અસરકારક કામગીરી સૂચવે છે.”