Mumbai,તા.૨૨
રિયલ એસ્ટેટ કંપનીઓ સાથે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં ઈડ એ તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુને નોટિસ ફટકારી છે. ટોલીવુડ અભિનેતા મહેશ બાબુને ૨૭ એપ્રિલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ તપાસ બે રિયલ એસ્ટેટ કંપનીઓ – સાંઈ સૂર્યા ડેવલપર્સ અને સુરાણા ગ્રુપ દ્વારા કથિત છેતરપિંડી અને મોટા પાયે નાણાકીય અનિયમિતતાઓ સાથે જોડાયેલી છે.
મળતી માહિતી મુજબ, મહેશે સાંઈ સૂર્યા ડેવલપર્સ અને સુરાણા ગ્રુપ દ્વારા લોન્ચ કરાયેલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની પ્રમોશનલ જાહેરાતોમાં કામ કર્યું હતું. આ જાહેરાતો માટે મહેશને ૫.૯ કરોડ રૂપિયા મળ્યા હોવાનું કહેવાય છે. ૩.૪ કરોડ રૂપિયા ચેક દ્વારા અને ૨.૫ કરોડ રૂપિયા રોકડા દ્વારા. હવે રોકડ ચૂકવણી તપાસ હેઠળ આવી છે.
તેલંગાણા પોલીસે હૈદરાબાદ પ્રોપર્ટીઝ લિમિટેડના નરેન્દ્ર સુરાણા અને સાઈ સૂર્યા ડેવલપર્સના સતીશ ચંદ્ર ગુપ્તા વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. એવો આરોપ છે કે આ બંનેએ અનધિકૃત લેઆઉટમાં પ્લોટ વેચીને, એક જ પ્લોટ ઘણી વખત વેચીને અને નોંધણી અંગે ખોટા વચનો આપીને ખરીદદારો સાથે છેતરપિંડી કરી હતી. ઈડીએ તપાસ શરૂ કરતાની સાથે જ, તેમણે મહેશ બાબુને કરવામાં આવેલા પેમેન્ટની તપાસ કરી અને અનુમાન લગાવ્યું કે રોકડમાં ચૂકવવામાં આવેલા ૨.૫ કરોડ રૂપિયા લોન્ડરિંગ નેટવર્કનો ભાગ હશે.
તેલંગાણા પોલીસે દાખલ કરેલી એફઆઇઆરમાં કંપનીઓ પર અનધિકૃત લેઆઉટમાં પ્લોટ વેચીને, એક જ પ્લોટનું અનેક વખત વેચાણ કરીને અને નકલી નોંધણી ગેરંટી આપીને રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સને અભિનેતાના સમર્થનથી લોકોનો વિશ્વાસ વધારવામાં અને કથિત છેતરપિંડીથી અજાણ ખરીદદારોને આકર્ષવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મહેશ બાબુ હાલમાં એસએસ રાજામૌલી સાથેની તેમની આગામી ફિલ્મના કામમાં વ્યસ્ત છે. આ મહિનાની શરૂઆતમાં ફ્લોર પર ગયેલી આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા પણ મુખ્ય ભૂમિકામાં છે.