બંધારણ બદલવા અને ના બદલવા પર ફરીથી રાજકારણ ગરમાવું હવે ચોંકાવતું નથી. કર્ણાટકથી લઈને દિલ્હી સુધી ફરીથી બંધારણ બચાવવાનું રાજકીય અભિયાન હાવી થઈ ગયું છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ઘ બંધારણ બદલવાનું જૂઠ્ઠાણું ચલાવનાર કોંગ્રેસ ખુદ નિશાના પર આવી છે. અસલમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ઓબીસી કોટામાં પછાત મુસ્લિમોને અનામત આપવા જઈ રહી છે અને આ સંદર્ભે ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે બંધારણ અંતર્ગત અનામત આપવી શક્ય ન હોય તો તેઓ બંધારણ પણ બદલી નાખશે! એટલે કોંગ્રેસ તુષ્ટીકરણના રાજકારણને પોષવા માટે હવે બંધારણમાં સુધારો કરવા ઉતાવળી થઈ છે. કોંગી નેતાઓનો મિજાજ એવો થઈ ગયો છે કે સંશોધન એ બદલાવ વચ્ચે પણ તક સાધી લે છે. હવે ડીકે શિવકુમાર સફાઈ આપતા ફરે છે કે તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું અને તે બંધારણમાં બદલાવનો પ્રસ્તાવ ક્યારેય નહીં મૂકે. તેમ છતાં સત્ય એ જ છે કે જો ધર્મ આધારિત અનામત આપવી હોય તો બંધારણને બદલવાની જરૂર પડશે,અને કોંગ્રેસનું ચરિત્ર એવું કરતાં અચકાય તેમ લાગતી નથી.
આશ્ચર્ય નહીં કે ભાજપના એકથી વધારે મંત્રીઓએ કોંગ્રેસને આક્રમક રીતે નિશાના પર લીધી છે. અહીં યાદ રાખવું જોઇએ કે લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસ પણ બંધારણ બચાવવાના નારા સાથે બહુ આક્રમક હતી અને ખૂબ જૂઠ્ઠાણાં ચલાવ્યાં હતાં, જેનું નુક્સાન ભાજપે ઉઠાવવું પડ્યું હતું. કોંગ્રેસે બંધારણને લઈને જે હથિયાર ચલાવ્યું તું, એ જ હથિયાર ખુદ કોંગ્રેસના જ નેતાએ ભાજપના હાથમાં આપી દીધું અને તેણે બચાવમુદ્રામાં આવી જવું પડ્યું. એટલે ભાજપ શિવકુમારના સ્પષ્ટીકરણ છતાં આ મુદ્દો છોડવા નહીં માગે અને તેના પર રાજકારણ ચાલુ રહેશે. આઝાદી સમયથી જ કોંગ્રેસ તુષ્ટીકરણનું રાજકારણ રમતી આવી છે અને તેની આ નીતિને કારણે દેશના ધર્મનિરપેક્ષ માળખાને ઘણું નુક્સાન થયું છે. કોંગ્રેસના દિવંગત વડાપ્રધાન મનમોહન સિંહે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ દેશનાં સંસાધનો પર મુસલમાનોનો પહેલો હક્ક છે. એ તથ્ય છે કે આઝાદી બાદ જરૂરિયાતમંદોને અનામત આપવા માટે લગભગ ૧૨ વખત બંધારણમાં સંશોધન કરવામાં આવ્યાં છે, પરંતુ આપણું બંધારણ ધાર્મિક આધાર પર અનામત આપવાનું પક્ષધર નથી. ડો.આંબેડકર પણ ધર્મને આધારે અપાતા અનામતની વિરુદ્ઘમાં હતા. બંધારણ સભામાં એકમતે એ નક્કી થયું હતું કે ધર્મના આધારે કોઈ અનામત નહીં આપવામાં આવે. તેમ છતાં આખા ભારતમાંથી સમેટાતી જતી કોંગ્રેસને ધાર્મિક અનામત હવે જીવાદોરી લાગવા માંડી હોય તો આશ્ચર્ય નહીં. શક્ય છે કે ધાર્મિક આધારે અપાયેલ અનામતને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે અને ત્યાં બંધારણની કસોટીએ ચડતાં તેને રદ્દ પણ કરી દેવામાં આવે.