Kolkata,તા.9
સોનાના ભાવો દરરોજ નવી ઉંચાઈ બનાવી રહ્યા છે. તહેવારોની સિઝનમાં ઘરાકી વિશે સસ્પેન્સ છે.ત્યારે રક્ષાબંધનથી ઓણમ સુધીનાં તહેવારનાં પ્રથમ તબકકામાં સોનાની ડીમાંડમાં 28 ટકાનો ઘટાડો માલુમ પડયો છે.
ઈન્ડિયા બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશનનાં રીપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષનો અથવા કોવીડકાળ પછીનો આ સૌથી મોટો ઘટાડો છે. સોનાના ભાવમાં વાર્ષિક ધોરણે 49 કાની વૃદ્ધિ થયાની સીધી અસર ઘરાકી તથા ગ્રાહકોના સેન્ટીમેન્ટ ઉપર થઈ છે અનેક ગ્રાહકો જવેલરીની ખરીદીથી જ દુર રહ્યા હતા. જયારે અન્યોએ ઓછા કેરેટ કે લાઈટ વેઈટ દાગીનાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
રાજકોટમાં સોનાનો હાજર ભાવ 1,11,000 ને વટાવી ગયો છે.ગયા વર્ષે આ સમયે સોનાનો ભાવ 75000 આસપાસ હતો. સંગઠનના મંત્રી સુરેન્દ્ર મહેતાના કથન પ્રમાણે સોનાના ઉંચા ભાવથી ડીમાંડ ઘટી છે. ઉપરાંત ભાવમાં વોલાટીલીટીઓને કારણે સેન્ટીમેન્ટ નબળુ પડયુ છે. ભાવ સ્થિત થતા નથી અત્યાર સુધી લોકો-ગ્રાહકો 7 થી 12 ગ્રામ વજનની લાઈટવેઈટ જવેલરી પસંદ કરતા હતા તે માત્રા હવે 7 થી 10 ગ્રામ થઈ ગઈ છે.
જવેલરી રીટેઈલ ચેઈનના ચેરમેન જોય અલ્લૂકાસે કહ્યું કે ડીમાંડમાં 15 ટકાનો ઘટાડો છે. જોકે, ભાવ ઉંચા થવાની મુલ્યની દ્રષ્ટિએ વેચાણ 25 થી 30 ટકા વધી ગયુ છે.
નવરાત્રી-ધનતેરસ-દિવાળીની સંભવિત ડીમાંડનો અંદાજ રક્ષાબંધનથી ઓણમનાં પ્રથમ તબકકામાં આવી જતો હોય છે.
ભારતમાં અત્યારે શ્રાદ્ધપક્ષ આવી જતો હોય છે. ભારતમાં અત્યારે શ્રાધ્ધપક્ષ ચાલી રહ્યો છે. એટલે ડીમાંડ ઓછી જ રહે છે. જોકે ગ્રાહકો નવરાત્રી કે દિવાળીમાં ડીલીવરીની શરતે બુક કરાવતા હોય છે. પરંતુ આ વખતે બુકીંગમાં પણ ખાસ રસ નથી.
જવેલરીનાં વેચાણમાં ઘટાડો છે છતાં લાઈટ વેઈટ જવેલરીના વેચાણમાં વૃધ્ધિ છે. જવેલર્સો હવે 18 કેરેટમાં નવીનતમ અને ભારેખમ લાગે તેવી ડીઝાઈન પેશ કરવા લાગ્યા છે અને તેનું માર્કેટ સારૂ છે.
સોનાના ઉંચા ભાવને પગલે 18 ઉપરાંત 14 કેરેટની જવેલરીનું ચલણ પણ વધવા લાગ્યું છે.લાઈટ વેઈટ જવેલરીની ડીમાંડ ડબલ થઈ ગઈ છે.જયારે 22 કેરેટ જવેલરીની ડીમાંડમાં ગાબડુ છે.
જવેલરીની ડીમાંડમાં ઘટાડો છતાં ઈન્વેસ્ટમેન્ટ માટે થતી ખરીદીની માત્રા યથાવત છે. મુથુટ એકઝીમનાં ચીફ એકઝીકયુટીવ કેયુર શાહનાં કહેવા પ્રમાણે મધ્યમ આવક જુથમાં 2 થી 5 ગ્રામનાં સિકકા તથા 5 થી 10 ગ્રામની જવેલરીની ડીમાંડ વધુ રહે છે.
મલાબાર ગોલ્ડ દ્વારા જોકે, તહેવારોનાં પ્રથમ તબકકામાં ડીમાંડમાં પાંચ ટકા તથા મુલ્ય આધારીત વેચાણમાં 27 ટકાનો વધારો થવાનોદાવો કરવામા આવ્યો છે.ચેરમેન એમ.પી.અહેમદનાં કહેવા પ્રમાણે જીએસટીમાં સુધારાથી માનસ બદલાશે અને નવરાત્રી-દિવાળીમાં સોનાની ડીમાંડ સારી રહેવાના આશાવાદ છે.
સ્કાય ગોલ્ડના મંગેશ ચૌહાણનાં કથન મુજબ ઉંચા ભાવને કારણે જવેલર્સો સ્ટ્રેટેજી બદલી રહ્યા છે. 22 કેરેટની ડીમાંડ ઘટવાની સામે 9 કેરેટ સોનાના દાગીના પર જોર વધારી રહ્યા છે.