Mumbai,તા.28
ભારત સરકારે ALTT સહિત 25 OTT પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રી પીરસવા બદલ પ્રતિબંધ મૂકી દીધો છે, જે બાબતે નિર્માતા એકતા કપૂરે સ્પષ્ટતા કરી છે કે તેને અને તેની માતાને ALTT સાથે કોઈ સંબંધ નથી, તેઓ ઘણા લાંબા સમય અગાઉ જ ALTT સાથે છેડો ફાડી ચૂક્યા છે.
તાજેતરમાં સરકારે અશ્લીલ અને અભદ્ર સામગ્રી પીરસતા 25 OTT પ્લેટફોર્મની વેબસાઇટ અને એપ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે, જેમાં ALTT, ULLU, Desiflix, HotX VIP, Big Shots, Bull App, MoodX, NeonX VIP અને Triflicks જેવા લોકપ્રિય પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. આ સમાચાર આવતાં જાણીતા ટેલિવીઝન નિર્માતા એકતા કપૂર ફરી ચર્ચામાં આવ્યાં છે. લોકો એવું માની રહ્યાં છે કે એકતા અને તેના માતા શોભા કપૂર ALTT ની માલિકી ધરાવે છે, તેથી એકતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને સ્પષ્ટતા કરવી પડી છે કે, તેને અને તેની માતા શોભા કપૂરનો ALTT સાથે કોઈ લેવાદેવા નથી.
એકતા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું હતું કે, ‘અમારી કંપની બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ BSE અને NSE પર સૂચિબદ્ધ એક વ્યાવસાયિક મીડિયા કંપની છે. સરકારે જે કંપની પર પ્રતિબંધ મૂક્યો છે એ ALTT સાથે એકતા કપૂર અને શોભા કપૂરનો હવે કોઈપણ રીતે કોઈ સંબંધ નથી. અમે જૂન 2021 માં જ ALTT થી સંપૂર્ણપણે અલગ થઈ ગયા હતા. તેથી જો કોઈ અમારા ALTT સાથે સંકળાયેલ હોવાનું નિવેદન કે સંકેત આપે તો તે ખોટું છે. અમે મીડિયાને વિનંતી કરીએ છીએ કે ફક્ત સચોટ તથ્યો જ પ્રકાશિત કરે.’
અમારી કંપની ‘બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ’ લાગુ પડતા તમામ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરે છે અને ઉચ્ચતમ કોર્પોરેટ ગવર્નન્સ ધોરણો અનુસાર વ્યવસાય કરે છે, એવું પણ એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું.ભારત સરકારે ગૃહ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલય, કાયદા મંત્રાલય અને ઉદ્યોગ સંગઠનો FICCI અને CII સાથે પરામર્શ કર્યા પછી અશ્લીલ અને વાંધાજનક સામગ્રી પીરસતા ઓટીટી પ્લેટફોર્મ્સ પર પર્તિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. IT એક્ટ 2000 અને IT નિયમો 2021 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી અને સંબંધિત પ્લેટફોર્મ્સને બ્લોક કરવા સૂચનાઓ જારી કરવામાં આવી હતી. સરકારના મતે આ એપ્સ પર દર્શાવવામાં આવતી સામગ્રી કાયદાઓનું ઉલ્લંઘન કરી રહી હતી અને મહિલાઓ અને બાળકોના અધિકારોને પ્રતિકૂળ અસર કરી શકે એમ છે.