સર્વોચ્ચ ન્યાયાલયના મતે ચૂંટણીમાં સંપત્તિ અને શૈક્ષણિક વિગતો ઉમેદવારની વધારાની જરૂરિયાતો સમાન
New Delhi, તા.૨૦
સુપ્રીમ કોર્ટે ચૂંટણી અગાઉ જાહેર ના કરાયેલી સંપત્તિનીને મામલે ચૂંટણી પરિણામ અયોગ્ય ઠેરવી શકાય કે કેમ તે અંગે એક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમે જણાવ્યું કે સંપત્તિનો ખુલાસો નહીં કરવાના તમામ કેસમાં ચૂંટણી પરિણામ રદ થઈ શકે નહીં. ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ એન કોટિશ્વર સિંહની ખંડપીઠે આ મામલે જણાવ્યું કે, ચૂંટણીમાં કોઈ વિજેતા ઉમેદવારે સંપત્તિની માહિતી જાહેર ના કરી હોય તો, કોર્ટે વધુ પડતી હોશિયારી તથા નિંદનિય દૃષ્ટિકોણ સાથે તે ચૂંટણી પરિણામને અયોગ્ય જાહેર કરવાની ઉતાવળ ના કરવી જોઈએ. પીઠે વધુમાં નોંધ્યું કે, એ બાબતની ચકાસણી કરવી જોઈએ કે શું ઉમેદવાર દ્વારા આ પ્રકારે સંપત્તિની વિગતો છુપાવવી કે ખુલાસો ના કરાયો તે હકીકતમાં એટલું મોટું કે વ્યાપક હતું જેનાથી ચૂંટણી પરિણામ પ્રભાવિત થઈ શક્યું હોત.બેન્ચે વધુમાં ઉમેર્યું હતું કે, અમારા મતે કોઈપણ સંજોગોમાં સંપત્તિની માહિતી જાહેર ના કરવી તે પરિણામલક્ષી કે અપ્રસ્તુત છે, જેના નિષ્કર્ષ પર ચૂંટણી યોગ્ય અથવા અયોગ્ય જાહેર કરવાનો આધાર રહે છે, તે નક્કી કરવું હકીકતમાં કસોટી સમાન છે.સુપ્રીમ કોર્ટની પીઠે ૧૪ ઓગસ્ટ ૨૦૨૫ના એક ચુકાદામાં જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયામાં ગુનાહિત ઈતિહાસ અંગે ખુલાસો ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતાને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ છે, તેનું પ્રામાણિકતા સાથે પાલન થવું જોઈએ. તદ્દઉપરાંત સંપત્તિ અને શૈક્ષણિક લાયકાતની માહિતી જાહેર કરવી તે ચૂંટણી પ્રક્રિયાને વધુ મજબૂત કરવા માટે વધારાની જરૂરિયાત સમાન હોય છે, આ મહત્વપૂર્ણ છે કે નહીં તે અંગે વિચારનો અવકાશ છે.સુપ્રીમ કોર્ટે ૩ ડિસેમ્બર ૨૦૨૩ના યોજાયેલી તેલંગણા વિધાનસભા ચંટણીમાં ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના ઉમેદવાર કોવા લક્ષ્મીની જીત વિરુદ્ધ કોંગ્રેસના ઉમેદવાર અજેમરા શ્યામે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી. વિજેતા ઉમેદવારે ફોર્મ ૨૬ એફિડેવિટમાં વિતેલા પાંચ નાણાકીય વર્ષમાંથી ચારમાં આવકવેરા રિટર્ન અંગે ખુલાસો નથી કર્યો જે મહત્વની ખામી નથી તેમ સુપ્રીમે જણાવ્યું હતું.