Rajkot, તા.15
રાજકોટ સહિત ગુજરાતના 280 બાર એસો.ની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. 19 ડિસેમ્બરે મતદાન યોજાશે જ્યારે તે દિવસે જ પરિણામ માટે મતગતરી પણ યોજાશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે. જે. પટેલની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. હાઇકોર્ટ બાર તેમજ 34 ડીસ્ટ્રિક્ટ બારમાં ટ્રેઝરર પોસ્ટ મહીલા ધારાશાસ્ત્રી માટે રિઝર્વ રાખવાની રહેશે. જ્યારે કારોબારી બેઠકમાં પણ 30 ટકા મહિલા અનામત રહેશે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જણાવ્યા મુજબ, બીસીજી ચેરમેન જે.જે.પટેલના અધ્યક્ષપદ હેઠળ મળેલ મીટીંગમાં તા. 19/12/2025 ના રોજ ગુજરાતના 280 બાર એસોસિએશનની ચૂંટણી ફરજિયાત યોજવાનું નક્કી કરાયું છે. જેમાં તા.15/11/2025 સુધી વન બાર વન વોટ હેઠળ બારના સભ્ય બનનાર વકીલ પોતાના બારમાં મતદાન કરી શકશે. ઉપરાંત બીસીજીએ કરેલા આદેશમાં તા.20/11/2025 સુધીમાં તમામ બાર એસો.એ મતદારયાદીનું લીસ્ટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને મોકલવાનું રહેશે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મીટીંગમાં 5 સભ્યોની ઇલેક્શન કમિટી બનાવવામાં આવી છે. કોઇપણ બાર એસો.માં ચૂંટણીમાં ગેરરીતિ જણાય અથવા ચૂંટણી પ્રક્રિયામાં ખામી જણાય તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અપીલ કરી શકશે. વધુમાં સુપ્રિમ કોર્ટમાં સ્પેશીયલ સીવીલ એપ્લીકેશન ન.819/2024 થઈ હતી. જેમાં ગુજરાતના હાઇકોર્ટ બાર એસો. તેમજ 34 ડીસ્ટ્રિક્ટ બાર એસો.ને આપેલ આદેશ અનુસાર ટ્રેઝરરની પોસ્ટ મહીલા ધારાશાસ્ત્રી માટે રિઝર્વ રાખવાની રહેશે.
એક્ઝીકયુટીવ કમિટીમાં 30 ટકા મહીલા ધારાશાસ્ત્રીઓને સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર પ્રતિનિધીત્વ આપવાનું રહેશે. તે મુજબ ઉપરોકત ચુકાદાનું લાગતા-વળગતા બાર એસો.એ અક્ષરસહ પાલન કરવાનું રહેશે.
આ બેઠકમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વાઇસ-ચેરમેન મુકેશ સી. કામદાર, એનરોલમેન્ટ કમિટીના ચેરમેન મનોજ એમ.અનડકટ, ફાઇનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા, રુલ્સ કમીટીના ચેરમેન પ્રવીણ ડી.પટેલ, જીએલએચ કમીટીના ચેરમેન ભરત વી.ભગત તથા સભ્યો કિરીટ એ.બારોટ, દીપેન કે.દવે, શંકરસિંહ એસ.ગોહિલ, હિતેશ જે.પટેલ, રમેશચંદ્ર એન.પટેલ, વિજય એચ.પટેલ, કિશોરકુમાર આર.ત્રિવેદી, કરણસિંહ બી.વાઘેલા, અનિરૂધ્ધસિંહ એચ. ઝાલા, પરેશ આર. જાની, રણજીતસિંહ એ.રાઠોડ, ગુલાબખાન એમ.પઠાણ તથા પરેશ એચ.વાઘેલાએ હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો. તેમ બીસીજી ઇન્ચાર્જ સેક્રેટરી સિધ્ધિ ડી. ભાવસારની યાદીમાં જણાવાયું છે.બીસીજીએ આપેલ માર્ગદર્શન મુજબ, જો કોઈ પણ એડવોકેટ વન બાર વન વોટ હેઠળ સભ્ય બનવા માંગતા હોય, તેમ છતા તેમને બાર એસો. સભ્ય ન બનાવે. તો તેવા ધારાશાસ્ત્રીએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વન બાર વન વોટ હેઠળનું ફોર્મ ભરી, બાર એસો.ના સભ્ય બનવાની અરજી સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને મોકલી આપવાની રહેશે.
રાજકોટ બાર એસો.ની ચૂંટણી હંમેશા ગુજરાતના વકીલ આલમમાં ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે ગત ચૂંટણીમાં ત્રણ પેનલ કાર્યરત હતી. આ વખતે એક પેનેલના પ્રમુખ પદના દાવેદાર ઘોષિત થઈ ગયા છે. એડવોકેટ સુમિત વોરાને પ્રમુખ પદના મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
તેમના સમર્થક વકીલોએ પાછલા ઘણા દિવસોથી પ્રચાર પણ આરંભી દીધો છે. અત્રે ઉલ્લેકનીય છે કે, રાજકોટ બાર એસો.ની ગત ચૂંટણીમાં એડવોકેટ સુમિત વોરાએ સમરસ પેનલમાંથી ઉપપ્રમુખ પદે ઉમેદવારી કરી હતી.
તેમણે હોદ્દેદારોમાં સૌથી વધુ મત મેળવ્યા હતા. જંગી લીડથી જીત મેળવી હતી. હાલમાં વકીલો તેમને આગામી ચૂંટણીમાં પ્રમુખ પદના મજબૂત દાવેદાર પણ માની રહ્યા છે.