New Delhi, તા. 2
ઇલેક્ટ્રિક વાહન હજુ પણ પેટ્રોલ-ડીઝલ વાહનોની સરખામણીએ દરેક બાબતમાં સસ્તાં નથી, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોમાં ઈવીમાં સૌથી મોટો ફેરફાર તેમની રેન્જ અને કિંમતના ગણિતમાં આવ્યો છે. નવી પેઢીનાં ઇલેક્ટ્રિક સ્કૂટર એક વાર ચાર્જ કરવા પર 200 થી 300 કિલોમીટર સુધી ચાલવાનો દાવો કરી રહ્યા છે.
તો બીજી તરફ ઇલેક્ટ્રિક કારોની રેન્જ પણ શરૂઆતી મોડેલોની સરખામણીએ ઘણી વધી છે. એટલે કે હવે ઈવી ખરીદનારા ગ્રાહકની સામે સૌથી મોટી ચિંતા ‘એક વાર ચાર્જ કરવા પર કેટલી દૂર જશે’ તે ધીરે-ધીરે ઓછી થઈ રહી છે.
પહેલી પેઢીના ઈવીમાં સીમિત રેન્જ અને વધુ કિંમત મોટો પડકાર હતા. હવે બેટરી ટેકનોલોજી, સોફ્ટવેર અને વાહનની ક્ષમતામાં સુધારાથી કંપનીઓ ઓછી બેટરી ક્ષમતામાં પણ વધુ અંતર કાઢી રહી છે.
હવે ફક્ત રેન્જ જ સૌથી મોટો સવાલ નહીં
ઈવીની રેન્જ વધવી ચોક્કસપણે ગ્રાહકોનો ભરોસો વધારશે, પરંતુ આગામી તબક્કામાં કંપનીઓ માટે ફક્ત કેટલા કિલોમીટર ચાલશે તે બતાવવું પૂરતું નહીં હોય. વાસ્તવિક રેન્જ, ચાર્જિંગની ઉપલબ્ધતા, ચાર્જ થવામાં લાગતો સમય, બેટરીનું આયુષ્ય, સર્વિસ નેટવર્ક અને ફરીથી વેચાણ મૂલ્ય (રીસેલ વેલ્યુ) જેવા મુદ્દા પણ મહત્વપૂર્ણ બની શકે છે.
કારોમાં પણ મોટો સુધારો
ઈવી કારમાં પણ ચિત્ર બદલાયું છે. જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ 2020માં 419 કિમી રેન્જ વાળી ઝેડએસ ઈવી લોન્ચ કરી હતી, જેની કિંમત આશરે 20-24 લાખ રૂપિયા હતી. કંપનીનું નવું મોડેલ 517 કિમી સુધીની રેન્જ આપવાનો દાવો કરે છે અને કિંમત આ જ રેન્જમાં છે.
તો બીજી તરફ ટાટા પંચ ઈવીનું ઉદાહરણ પણ મહત્વનું છે. શરૂઆતી મોડેલ 11-14.5 લાખ રૂપિયાની કિંમતમાં 421 કિમી સુધીની રેન્જ આપતું હતું. હવે અપગે્રડેડ મોડેલની કિંમત આશરે 9.7-12.8 લાખ રૂપિયા છે અને મહત્તમ દાવો કરાયેલી રેન્જ 468 કિમી છે.
ટુ-વ્હીલર : 107 થી 200 કિમી સુધી રેન્જ
પહેલાં લોન્ચ થયેલાં મોટાભાગનાં ફ્રન્ટલાઈન સ્કૂટર્સમાં આશરે 107 કિમીની રેન્જ હતી અને 2018માં એમની કિંમત 1.25 લાખ રૂપિયા હતી. હવે કંપનીઓ નવા મોડેલમાં મહત્તમ 200 કિમી સુધીની રેન્જનો વિકલ્પ આપી રહી છે.
હવે 100 કિમી રેન્જ વાળા મોડેલની કિંમત 99,999 રૂપિયા રહી ગઈ છે. જ્યારે 125 કિમી વાળા મોડેલ 1.25 લાખ રૂપિયા અને 160 કિમી વાળા 1.50 લાખ રૂપિયા સુધી છે. હવે રેન્જ વધારવાની સાથે કિંમત ઘટાડવા પર પણ કંપનીઓનું જોર છે.
કેટલાક મુખ્ય ફેરફાર આમ સમજો
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વાહનોની રેન્જ કેટલાક મામલામાં આશરે બમણી થઈ.
ઇલેક્ટ્રિક કારોની રેન્જમાં આશરે 11 થી 23 ટકા સુધી સુધારો થયો. નવી પેઢીના કેટલાક સ્કૂટર 200-300 કિમી સુધીનો દાવો કરાયેલી રેન્જ આપી રહ્યાં છે.
ઈવીની શરૂઆતી કિંમત અને પેટ્રોલ વાહનોની કિંમતનો તફાવત પણ કેટલાક મોડેલોમાં ઓછો થયો છે.
કિંમતનો તફાવત પણ ઘટ્યો
ઈવીની કિંમત હજુ પણ ઘણા કિસ્સાઓમાં વધારે છે, પરંતુ તફાવત ઓછો થઈ રહ્યો છે. 2018માં સૌથી સસ્તું હોન્ડા એક્ટિવા આશરે 50 હજાર રૂપિયાનું હતું, જ્યારે હવે આની કિંમત 90 હજારથી વધુ છે. બીજી તરફ ઈવી કંપનીઓ વધુ સસ્તા મોડેલ લાવી રહી છે.
ઈવીના વેચાણમાં પણ તેજી
♦ ઇલેક્ટ્રિક કારોનું વેચાણ નાણાકીય વર્ષ 2025-26માં 84 ટકા વધીને 1.99 લાખ રહ્યું.
♦ કુલ કાર વેચાણમાં ઈવીનો હિસ્સો 4.2 ટકા.
♦ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વેચાણ 22 ટકા વધીને 14 લાખ રહ્યું.
♦ ટુ-વ્હીલર બજારમાં ઈવીનો હિસ્સો આશરે 6.5 ટકા.

