Sihor,તા.01
સિહોર તાલુકામાં જ્યોતિગ્રામ અને ખેતીવાડી લાઈનમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વીજ ધાંધિયાના કારણે ગ્રામજનો અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા જ્યોતિગ્રામ અને ખેતીવાડી કનેક્શનોમાં વીજ પુરવઠો અનિયમિત રીતે આપવામાં આવી રહ્યો છે. ચોમાસાની ઋતુ દરમિયાન ગામડાઓમાં મચ્છરોનો ત્રાસ વધ્યો હોય, લાઈટના અભાવે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. તેમજ વાડી વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને વીજ પુરવઠાની અનિયમિતતાના કારણે માલઢોરને પાણી પીવડાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે સિહોર તાલુકા સરપંચ પરિષદ દ્વારા સિહોર રૂરલ પીજીવીસીએલના એન્જિનિયરને લેખિતમાં રજૂઆત કરી જ્યોતિગ્રામ અને ખેતીવાડીમાં વીજ પ્રવાહ નિયમિત કરવા માંગ કરી છે.