Kutchતા.29
ગઈકાલે સાતમા નોરતે હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી હતી અને સર્વત્ર 1થી8.5 ઈંચ જેટલો જોરદાર વરસાદ ખાબકતા મોટાભાગનાં પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવનાં આયોજનો વેરવિખેર થઈ ગયા હતા અને ગરબા બંધ રાખવાની ફરજ પડી હતી.
ખાસ કરીને મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લા ઉપર જાણે કે, તાંડવ કર્યુ હતું અને 3થી8.5 ઈંચ પાણી વરસાવી દીધુ હતુ. ગીર સોમનાથનાં સૂત્રાપાડામાં ધોધમાર 8.5 ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર થઈ ગયો હતો તેમજ ગીર સોમનાથનાં પાટણ-વેરાવળમાં 6, કોડીનારમાં 4.25, ઉનામાં 4.17, ગીરગઢડામાં 3 ઈંચ તથા દ્વારકાનાં કલ્યાણપુરમાં 4, ખંભાળીયામાં 3.5 વરસ્યો હતો.
ભાણવડમાં 2.25 ઈંચ વરસાદ તેમજ કચ્છમાં અંજાર-મુંદ્રા અને ગાંધીધામમાં 0.5થી2 ઈંચ, મોરબીમાં 0.5થી પોણા બે ઈંચ, જયારે, રાજકોટ શહેરમાં 1.5 ઈંચ, કંડોરણા, ધોરાજી, ઉપલેટામાં પણ 1.5 ઈંચ વરસાદ પડયો હતો. ધારીનો ખોડીયાર ડેમ ફરી છલકાયો છે.
દરમ્યાન સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવેલ છે અને સુરક્ષાના કારણોસર માછીમારોને તાત્કાલિક કિનારે પરત ફરવા અને દરિયો ખેડવા ન જવા સૂચના અપાય છે.
ત્યારે ગઈકાલે રાત્રીના આઠ થી આજે સવારે આઠ વાગ્યા સુધીમાં જીલ્લામાં ત્રણ થી આઠ ઇંચ જેવો વરસાદ પડતા મોટાભાગની ગરબીઓ અને નવરાત્રીના કાર્યક્રમો રદ કરવામાં આવેલ છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે દરિયામાં તોફાની માહોલ સર્જાયો છે. આ પરિસ્થિને ધ્યાનમાં રાખીને વેરાવળ પોર્ટ કચેરીએ બંદર પર 3 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવ્યું છે. હાલમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને પવનની ગતિ માં નોંધપાત્ર વધારો થયો છે. સુરક્ષાના કારણોસર માછીમારોને તાત્કાલિક કિનારે પરત ફરવા અને નવા દરિયા ખેડવા ન જવા સૂચના અપાઈ છે.
ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે રાત્રીના આઠ વાગ્યાથી વરસાદ પડવાનું શરૂ થતા આજે સવારે આઠ વાગ્યા સુધીમાં જીલ્લાના મુખ્ય મથક વેરાવળમાં 146 મી.મી. (6 ઇચ), સુત્રાપાડામાં 216 મી.મી. (8.64 ઇચ), કોડીનારમાં 130 મી.મી. (5.2 ઇચ), ઉનામાં 138 મી.મી. (5.52 ઇચ), ગીરગઢડામાં 80 મી.મી. (3.2 ઇચ) અને તાલાલામાં 124 મી.મી. (4.96 ઇચ) વરસાદ પડેલ હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલ છે અને જીલ્લામાં આવેલા ડેમોમાં પણ વરસાદી પાણીની આવક હોવાથી નીચાણ વાળા વિસ્તારો ને સાવચેત કરી દરવાજા ઓ ખોલવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
તેમજ ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અડધાથી ત્રણ વરસાદ પડી ગયો છે. આજે સોમવારે પણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી કપાસ, મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. મહુવામાં ત્રણ ઇંચ, સિહોર, જેસરમાં બે ઇંચ , ભાવનગર શહેરમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે.
ભાવનગર શહેરમાં ગઈકાલે સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. બપોરે ધોધમાર વરસાદ પડ્યો હતો. આજે સવારે સુધીમાં શહેરમાં પોણા બે ઇંચ વરસાદ પડી ગયો હતો. શહેરો ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ દિવસભર વરસાદ પડ્યો છે. જિલ્લાના મહુવામાં અને જેસર પંથકમાં ભારે વરસાદથી કપાસ મગફળી ના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતો અને ખેત મજૂરોને ભારે નુકસાની થવા પામી છે.
આજે સવારે 6 વાગે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન વલભીપુરમાં 10, ઉમરાળા 18 ,ભાવનગર શહેર 41 ,ઘોઘા 31, સિહોર 51, ગારીયાધાર 35, પાલીતાણા 31, તળાજા 20, મહુવા 71 અને જેસરમાં 53 મી.મી. વરસાદ નોંધાયો છે.
જ્યારે જુનાગઢ અને જીલ્લામાં ગઇકાલે રાત્રીના આઠ વાગ્યાથી આસો માસના નવલા નવરાત્રીમાં હાથીયા નક્ષત્રે સૂંઢ ફેરવી છે. જુનાગઢ અને જીલ્લામાં સાતમા નવરાત્રીના ર્મૉંના નવરાત્રીની ગરબી રાસોત્સવમાં ભંગ પડવા પામ્યો છે.
લાઇટ બંધ થઇ જતા ભારે પવન ગાજવીજ સાથે અષાઢી માહોલ છવાઇ જવા પામ્યો છે. જીલ્લાની તમામ ગરબીઓમાં વરસાદે ખલેલ પાડતા ખેલૈયાઓ નિરાશ થઇ ગયા હતા. નાની બાળાઓ તૈયાર થઇને ચાચર ચોકમાં આવતાની સાથે વરસા રાણીએ જ રાસ રમી લેતા માઁનું સાતમુ નોરતુ વરસાદમાં ધોવાઇ જવા પામ્યું હતુ.
ગત રાત્રીના 8 થી 10 બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ માંગરોળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખાબકયો હતો. રાત્રીના 10.1રમાં સવા બે ઇંચ બાદ કરી આજે સવારે 6 થી 8 વચ્ચે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ સાંબેલાધારે ત્રાટકયો હતો. માળીયાહાટીનામાં ગત રાત્રીના માળીયાહાટીનામાં સવા ઇંચ વરસાદ બાદ ફરી આજે બે-બે ઇઃચ વધુ વરસાદ ખાબકતા ગત રાત્રીથી સવારના આઠ સુધીમાં 4 ઇંચ નોંધાયો છે. વિસાવદરમાં ગત રાત્રીના ચાર ઇંચ, ભેંસાણમાં ત્રણ ઇંચ, કેશોદમાં ત્રણ ઇંચ, મેંદરડામાં સવા બે ઇંચ, જુનાગઢમાં બે ઇંચ અને માણાવદરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.
ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી 2 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં તોફાની વરસાદી રાઉન્ડની આગાહી મુજબ વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જે મુજબ જામનગર જિલ્લામાં અડધો થી બે ઇંચ તોફાની વરસાદ ખાબક્યો હતો.જેમાં જામનગરમાં બે ઇંચ,જોડિયામાં એક ઇંચ,ધ્રોલમાં દોઢ ઇંચ,કાલાવડમાં પોણો ઇંચ,લાલપુરમાં દોઢ ઈંચ, જ્યારે જામજોધપુરમાં પોણો ઇંચ વરસાદ થતા નદીઓ પુર આવ્યા હતાં.આ વરસાદ થી ખેડૂતો ના ખરીફ પાક માટે ખૂબ લાભદાયક બન્યો હતો.
જામનગર જિલ્લા કંટ્રોલરૂમમાંથી મળતી માહીતી મુજબ છેલ્લા 24 કલાકમાં જામનગરમાં 54 મિમી,જોડિયામાં 24 મિમી,ધ્રોલમાં 34 મિમી,કાલાવડમાં 15 નિમિ,લાલપુરમાં 38 મિમી,જ્યારે જામજોધપુરમાં 15 મિમી વરસાદ નોંધાયો હતો.જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ થયા અહેવાલો સાપડી રહ્યા છે.
આખી નવરાત્રી જેની રાહ જોઈ હોય અને એ જ રાત્રે આમ વરસાદ આવે તો ખૂબ જ દુઃખ થાય. અમારી બધી તૈયારીઓ અને ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે લાલપુર બાયપાસ રોડ, પવનચક્કી વિસ્તાર અને રણજીત નગરના કેટલાક ગરબા સ્થળોએ તો પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સર્જાયા હતા,
જેના કારણે નાના આયોજકો અને ખાણી-પીણીના સ્ટોલ ધારકોની હાલત પણ કફોડી બની હતી. આમ, મેઘરાજાના અણધાર્યા આગમને જામનગરના નવરાત્રી પર્વના રંગમાં રીતસરનો ભંગ પાડ્યો છે અને ખેલૈયાઓની ચિંતાની સાથે આયોજકોને આર્થિક રીતે મોટી ખોટ પહોંચાડી છે.
જ્યારે અમરેલી શહેર સહિત જિલ્લાના કેટલાંક ભાગોમાં ગઇકાલે સમી સાંજે મીની વાવાઝોડા જેવા માહોલમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ ખાબકતા શહેરના રાજમાર્ગો તથા રાજકમલ ચોક, ફોરવર્ડ સર્કલ અને ભીંડભજન મંદીર પાસે પાણી ભરાયા હતાં જ્યારે માર્ગો ઉપર ફરી વળ્યા હતાં.
જ્યારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. વીજળી પાડવાના કારણે શહેરભરમાં વીજળી ગુલ થઈ જવા પામેલ છે. જ્યારે આજના વરસાદના કારણે અનેક સ્થળોએ નવરાત્રી કાર્યક્રમ બંધ રહેવા પામેલ છે.
તેમજ હવામાન વિભાગે આપેલા રેડ એલર્ટ વચ્ચે રવિવારે સવાર થી ભારે પવન સાથે ઉના તાલુકાના સમગ્ર વિસ્તાર મા વરસાદના કારણે મોટા ભાગના શહેરોના ગરબા રદ કરાયા હતા અને ખૈલૈયાઓના રંગમાં ભંગ રવિવારની રજામાં ગરબે ઘૂમવાની ખેલૈયાઓની આશા પર પાણી ફરી વળ્યું છે
રવિવારની રજા હોય ગરબે રમવાનો ખેલૈઆઓમાં અનેરો ઉત્સાહ હતો.પરંતુ વહેલી સવારે છાંટા પડ્યા બાદ વરસાદી માહોલ ઉના શહેર અને તાલુકાના દરેક ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો છે સાંજ નાં સમયે ભારે પવનના સુસવાટા વચ્ચે ધોધમાર વરસાદ પડયો હતો.

