ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમા 27 નિર્દોષ લોકો જીવતા ભુંજાયા કેસમા મહાનગરપાલિકાનાં ટીપીઓ મનસુખ સાગઠીયાની ધરપકડ કરી હતી
Rajkot,તા.14
રાજકોટ સહીત રાજયભરમા ચકચાર જગાવનાર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમા 27 જેટલા નિર્દોષ લોકો જીવતા ભુંજાયા હતા. જે કેસમા સંડોવાયેલા રાજકોટ મહાનગરપાલિકાનાં ટીપીઓ મનસુખ સાગઠીયાની ધરપકડ કરવામા આવી હતી. સસ્પેન્ડ ટીપીઓની તપાસ દરમ્યાન તેની પાસેથી અપ્રમાણસર 28 કરોડની મિલકત મળી આવતા એસીબીની ટીમે ભ્રષ્ટાચાર નિવારણ અધીનીયમની કલમો હેઠળ ગુનો નોંધી અપ્રમાણસર મિલકતો કબજે કરી કોર્ટ હવાલે કરી હતી. સસ્પેન્ડ ટીપીઓ સાગઠીયાની ર1 કરોડની મિલકતો એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ એ ટાંચમા લઇ સાગઠીયાની મિલકતો જપ્તી લીધાનાં ઇડીનાં હુકમની નકલ રાજકોટની ખાસ અદાલતને મોકલી આગળની કાર્યવાહી ન કરવા રજુઆત કરવામા આવી હતી. પરંતુ સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયાનાં વકીલ હાજર નહી રહેતા આગામી ર6 મે ના રોજ કાર્યવાહી હાથ ધરવામા આવશે.આ કેસની હકીકત મુજબ રાજકોટમા કાલાવડ રોડ પર આવેલ ટીઆરપી ગેમઝોનમા આશરે 11 માસ પુર્વે તા. 28-5-24 ના રોજ આગ ભભુકી ઉઠતા નાના બાળકો અને ગેમઝોનનાં કર્મચારીઓ સહીત 27 નિર્દોષ લોકો ભડથુ થઇ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઇ ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગર પાલિકાનાં અધીકારીઓ સહીત 1પ શખસો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જે કેસમા સંડોવાયેલા રાજકોટ મહાનગર પાલિકાનાં ટીપીઓ મનસુખ સાગઠીયા સામે તપાસ હાથ ધરતા તેની સામે એક સાથે 3 ફોજદારી કેસો નોંધાયા હતા. જેમા ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ એક અને ભારતીય દંડ સહીતા હેઠળ ર કેસો નોંધાયા છે. આ કેસોની તપાસ દરમ્યાન સસ્પેન્ડ ટીપીઓ મનસુખ સાગઠીયાએ ર8 કરોડની અપ્રમાણસર મિલકત ધારણ કરી હોવાનુ સામે આવતા એસીબીની તપાસમા સસ્પેન્ડ ટીપીઓ મનસુખ સાગઠીયાએ તેની પત્ની અને પુત્રના નામે વસાવી હતી. અને એક સ્થાવર મિલકતમા તેમનાં પુત્ર કેયુર સાગઠીયાએ અલ્કેશ રણછોડભાઇ ચાવડા સાથે સહ માલીકી રાખી હતી. આ કેસની એસીબીએ એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટને જાણ કરતા ઇડીએ આ તપાસ હાથ ધરી નિષ્કર્સ કરેલ કે ટીપીઓ મનસુખ સાગઠીયાએ પોતાના નામે અને તેમના પત્ની ભાવનાબેન સાગઠીયા, પુત્ર કેયુર સાગઠીયા તેમજ અલ્કેશ ચાવડાનાં નામની મિલકતો વસાવેલ છે. જેમા સ્થાવર મિલકતો, જમીનો, કિંમતી જવેરાતો અને જુદી જુદી બેંકોની ફીકસ ડીપોઝીટોનો સમાવેશ થાય છે. ઇડીની તપાસ દરમ્યાન આ મિલકતોની કિંમત રૂ. 21,61,59,129 થાય છે. આ મિલકતો પીએમએલએ એકટ હેઠળ કલ્કીત ગણી તેને કલમ પ હેઠળ ઇડીએ જપ્ત કરી છે. હાલનો કેસ એસીબીએ ભ્રષ્ટાચાર નીવારણ અધીનિયમ હેઠળ દાખલ કરી આરોપીની મિલકત કોઇ કસ્ટડીમા સોપી હતી. આ રીતે આ મિલકતો કોર્ટની કસ્ટડીમા હોવાથી ઇડીએ અરજી કરી અદાલતને જણાવેલ કે પીએમએલ એકટની કલમ 8 હેઠળ હાલનો કેસ દિલ્હી ખાતે એડજયુડીકેટીગ ઓથોરીટી સમક્ષ ચાલવા પાત્ર હોય આ મિલકતો અંગે ટ્રાન્સફર અંગેનો કોઇ હુકમ ન કરવા રજુઆત કરી છે. આ મુજબની અરજી ખાસ અદાલતે મનસુખ સાગઠીયા અને પ્રોસીકયુશન બંનેને 1ર મે ના રોજ હાજર રહેવા નોટીસ પાઠવી હતી. જેમા પ્રોસીકયુશન તરફે મદદનીશ અમલદાર લાલીવાલ અને સ્પે. પી. પી. એસ. કે. વોરા હાજર રહયા હતા. પરંતુ સસ્પેન્ડ ટીપીઓ સાગઠીયાના એડવોકેટ હાજર નહી રહેતા આ અંગે અદાલતે આગામી ર6 મી મે નાં રોજ કાર્યવાહી મુકરર રાખી છે.આ કેસમા સરકાર પક્ષે સ્પે. પી. પી. જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરા રોકાયા હતા.