Mumbai,તા.11
ઈંગ્લેન્ડના ઓપનર્સ બેન ડકેટ અને જેમી સ્મિથે મંગળવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં સેન્ચ્યુરીની પાર્ટનરશિપ કરીને પોતાનું નામ ઈતિહાસના પાનામાં નોંધાવ્યું છે.
સાઉથેમ્પ્ટનમાં રમાયેલી મેચમાં ડકેટ અને સ્મિથે માત્ર 53 બોલમાં 120 રનની શાનદાર પાર્ટનરશિપ કરી. બંનેએ મળીને 13.58ના રન રેટથી રન બનાવ્યા. આ ઈંગ્લિશ જોડીએ તોફાની અંદાજમાં સેન્ચ્યુરીની પાર્ટનરશિપ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
ડકેટ અને સ્મિથે સેન્ચ્યુરીની પાર્ટનરશિપ કરીને ઈતિહાસ રચી દીધો છે. બંનેએ ઈંગ્લેન્ડની ધરતી પર સૌથી ઝડપી સેન્ચ્યુરીની પાર્ટનરશિપનો રેકોર્ડ બનાવ્યો અને ક્રિસ ગેઈલ અને આન્દ્રે ફ્લેચરનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગેઈલ-ફ્લેચરે 2009માં ઇંગ્લેન્ડની ધરતી પર ઓસ્ટ્રેલિયા સામે સૌથી ઝડપી સેન્ચ્યુરીની પાર્ટનરશિપનો રેકોર્ડ બનાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, ઓપનર્સની ધમાકેદાર ઈનિંગ્સના કારણે ઈંગ્લેન્ડે ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 211 રન બનાવી શકી હતી.
આમ ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝની ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું. યજમાન ટીમે પહેલી T20 21 રનથી અને બીજી T20 4 વિકેટથી જીતી હતી.