Oval,તા.૪
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી આ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં, બંને ટીમના બેટ્સમેનોએ મળીને ઘણા બધા રન બનાવ્યા. આ જ કારણ છે કે ઈંગ્લેન્ડ અને ભારતના બેટ્સમેનોએ મળીને કુલ ૨૧ સદી ફટકારી. ટેસ્ટ ક્રિકેટમાં આ બીજી વખત છે જ્યારે કોઈ ટેસ્ટ શ્રેણીમાં ૨૧ સદી ફટકારવામાં આવી છે. આ પહેલા ૧૯૫૫માં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી શ્રેણીમાં આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી. તે શ્રેણીમાં બંને ટીમોએ કુલ ૨૧ સદી ફટકારી હતી.
ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીની વાત કરીએ તો, ભારતીય ટીમે અહીં કુલ ૧૨ સદી ફટકારી હતી. શુભમન ગિલે આ શ્રેણીમાં સૌથી વધુ ૪ સદી ફટકારી હતી. તેના સિવાય કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતે ૨-૨ સદી ફટકારી હતી. તે જ સમયે, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરના બેટમાંથી એક-એક સદી જોવા મળી હતી. ઇંગ્લેન્ડની વાત કરીએ તો, જો રૂટે ત્યાં સૌથી વધુ ૩ સદી ફટકારી હતી. તેના સિવાય, હેરી બ્રુકના બેટમાંથી બે સદી ફટકારી હતી. તે જ સમયે, બેન ડકેટ, જેમી સ્મિથ, ઓલી પોપ અને બેન સ્ટોક્સ એક-એક સદી ફટકારવામાં સફળ રહ્યા હતા.
એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલનું નામ ટોચ પર છે. તેણે આ શ્રેણીમાં પાંચ મેચની ૧૦ ઇનિંગ્સમાં ૭૫.૪૦ ની સરેરાશથી ૨૫૪ રન બનાવ્યા. જો રૂટનું નામ બીજા નંબર પર છે. રૂટે ૫ મેચમાં ૫૩૭ રન બનાવ્યા. સૌથી વધુ રન બનાવવાના મામલે કેએલ રાહુલ ત્રીજા નંબર પર હતો. તેણે આ શ્રેણીમાં ૫૩૨ રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજાનું નામ ચોથા નંબર પર છે. જાડેજા ૫ મેચની ૧૦ ઇનિંગ્સમાં ૫૧૬ રન બનાવવામાં સફળ રહ્યો.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલ ખાતે શ્રેણીની છેલ્લી મેચ રમાઈ રહી છે. આજે આ મેચનો પાંચમો દિવસ હશે. છેલ્લા દિવસે, ઇંગ્લેન્ડને આ મેચ જીતવા માટે ૩૫ રન બનાવવા પડશે, જ્યારે ટીમ ઇન્ડિયાને આ મેચ જીતવા માટે ૪ વિકેટ લેવાની જરૂર છે.