Jamnagar તા ૧૩,
જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડયો હતો, અને મકાનમાંથી ૪૬ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે, જયારે મકાનમાલિક આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.
કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા દિનેશ ગોરાભાઈ ચૌહાણ નામના શખ્સ દ્વારા પોતાના રહેણાક મકાનમાં ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે ગઈકાલે ઉપરોક્ત રહેણાક મકાન પર દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી ૪૬ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે રૂપિયા ૨૫,૯૯૦ ની કિંમતનો ઈંગ્લીશ દારૂ કબજે કરી લીધો છે, જયારે મકાન માલિક આરોપી દિનેશ ચૌહાણ ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.