Jamnagar તા.25
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ગઈકાલે બપોરે જામનગરમાં કરોડોના ખર્ચે બંધાયેલો નવો ફલાય ઓવર બ્રિઝ ખુલ્લો મુકાયો, તેના પ્રથમ દિવસે જ પુલ પરની સવારી કરવા માટે જાણે સમગ્ર ગામ ગાંડું થયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, અને રાત્રિના સમયે સાત રસ્તા સર્કલથી લઈને સુભાષ બ્રિઝ સુધીના તમામ માર્ગો પર વાહનોના થપ્પા લાગી ગયા હતા, અને ચક્કાજામ જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. અને રાત્રિભર પોલીસને ભારે કવાયત કરવાનો વારો આવ્યો હતો.
ઓવરબ્રિજના ઉદ્ઘાટનના પ્રથમ દિવસે જ પુલ પરની સવારી કરવા માટે અનેક નગરજનો પોતાના પરિવારના વડીલો બાળકો વગેરેને સાથે લઈને અનેક ટુ-વ્હીલર તથા ફોરવીલ માં નીકળી પડ્યા હતા, અને રાત્રિના 9.30 વાગ્યા બાદ જાણે નવા નજરાણાએ ઘેલું લગાડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી..
નવા પૂલ ઉપર મહાનગરપાલિકા દ્વારા બે દિવસ માટેનો લાઇટિંગમાં નજારો યથાવત રાખવાના હોવાથી તેનો લાભ લેવા માટે તેમજ રીલ બનાવવા માટે અનેક વાહન ચાલકો પ્રથમ દિવસે જ પુલની સવારી કરવા માટે નીકળી પડ્યા હતા, અને હજારોની સંખ્યામાં વાહનચાલકોએ પ્રથમ દિવસે જ પોતાના મોબાઈલ ફોનમાં રીલ બનાવી હતી, અને નવા બ્રિજનો નજારો નિહાળ્યો હતો.
જોકે આ નગરજનો નો આનંદ પોલીસ તંત્ર માટે શિરદર્દ સમાન બન્યો હતો. સાત રસ્તા અને તેના આસપાસના વિસ્તારમાં અનેક વાહનોના થપ્પા લાગી ગયા હતા, અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જયારે સુભાષ બ્રિજ ઉપર પણ ભારે ચક્કા જામની પરિસ્થિતિ સર્જાઇ હતી, અને સતત અઢી કલાક સુધી પોલીસ તંત્રને ટ્રાફિક પૂર્વવત બનાવવા માટે ભારે મથામણ કરવી પડી હતી.
ઝગમગતા નવા ઓવરબ્રિજનો અદભુત નજારો
જામનગર તા.25: જામનગર શહેરની મધ્યમાં મહાનગરપાલિકા દ્વારા નવા ફલાય ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની સાથે સાથે ઉદ્ઘાટનને યાદગાર બનાવવાના ભાગરૂપે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સમગ્ર બ્રિઝ ઉપર રંગબેરંગી રોશની ગોઠવવામાં આવી છે.
ઉપરાંત સાત રસ્તાની મધ્યમાં આવેલા ઝાંસી કી મહારાણીના સર્કલ-ગાર્ડનમાં પણ કલરફુલ લાઇટો મૂકી દીધી હતી, જેનો અદભુત નજારો નિહાળીને નગરજનો અભિભૂત થઈ ગયા હતા.સાત રસ્તા સર્કલ ઉપરના ફલાયઓવર બ્રિજ પરથી આ લાઇટિંગનો નજારો નિહાળવા માટે અનેક વાહનચાલકો પુલ ઉપર થંભી ગયા હતાં.

સાત રસ્તા સર્કલની મધ્યમાં આવેલો ઝાંસી કી મહારાણીના સ્ટેચ્યુ સાથેનું સર્કલ કે જેમાં મહાનગરપાલિકા દ્વારા ફુવારો અને ગાર્ડન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે, જે ગાર્ડનમાં ગઈકાલે ઝાંસી કી રાણીની પ્રતિમા તેમજ અન્ય સ્થળે જુદી જુદી કલર ફુલ લાઇટિંગો મૂકી દીધી હતી, તેનો અદભુત નજારો નિહાળવા માટે અનેક નગરજનો ઉમટી પડ્યા હતા.
ખાસ કરીને સાત રસ્તા સર્કલમાં નવા બ્રિજની રિંગ બનેલી છે, જે ફરતી રીંગ ઉપર નગરજનો પોતાના વાહનો સાથે બ્રિઝ ઉપર ચડીને ત્યાં જ થંભી ગયા હતા, અને પોતાના મોબાઈલ ફોનમાં સર્કલ નો નજારો નિહાળીને તેની રીલ બનાવવાનું શરૂ કર્યું હતું, જેના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો.
નવા બંધાયેલા બ્રિઝ ની સાથે સાથે સાત રસ્તા સર્કલ નો કલરફુલ લાઇટિંગ સાથેનો નજારો નગરજનોએ પ્રથમ વખત માણ્યો હતો.

