New Delhi,તા.27
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન માફી યોજના લાવવાની તૈયારી કરી રહ્યું છે. આનાથી તે કંપનીઓ અને પેઢીઓને ફાયદો થશે, જેઓ નાણાકીય બોજ અથવા અન્ય કોઈ કારણોસર ઈપીએફઓ સાથે તેમનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરી શક્યાં નથી અથવા તેમનાં ઈપીએફઓ એકાઉન્ટને સક્રિય રાખવામાં સક્ષમ નથી.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયનાં નિર્દેશો પર યોજનાની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. એવી ધારણા છે કે ડિસેમ્બરનાં અંત સુધીમાં આ યોજનાની જાહેરાત થઈ શકે છે.
સૂત્રોનું કહેવું છે કે, માફી યોજના રોજગાર સંબંધિત પ્રોત્સાહક યોજનાનો એક ભાગ હશે. વર્ષ 2024-25 ના સામાન્ય બજેટમાં, કેન્દ્ર સરકારે રોજગારને પ્રોત્સાહન આપવા અને કામદારોને સંગઠિત ક્ષેત્ર સાથે જોડવા માટે ઈએલઆઇ યોજનાની જાહેરાત કરી હતી. જેમાં ઈપીએફઓમાં નોંધાયેલાં કર્મચારીઓને ત્રણ હપ્તામાં 15 હજાર રૂપિયા એટલે કે એક મહિનાનો પગાર આપવામાં આવશે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગારીની તકો ઊભી કરવા માટે ઈપીએફઓ યોગદાન સંબંધિત નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ સાથે, એમ્પ્લોયરને 1 લાખ રૂપિયાથી ઓછો પગાર મેળવનારાં કર્મચારીઓ માટે દર મહિને 3000 રૂપિયાની ભરપાઈ કરવામાં આવશે.
જે બે વર્ષ માટે કરવામાં આવશે. સરકારને આશા છે કે ઈએલઆઇ સંબંધિત પ્રોત્સાહનો દ્વારા ઈપીએફઓ સાથે નોંધણી કરાવનારા કર્મચારીઓની સંખ્યામાં વધારો થશે. તેથી, માફી યોજના માત્ર કર્મચારીઓની સંખ્યા વધારવા માટે લાવવામાં આવી રહી છે, જે એક રીતે પ્રોત્સાહન તરીકે કામ કરશે.
એમ્પ્લોયરોને 2024 સુધી રાહત મળશે
યોજના હેઠળ, વર્ષ 2017 થી 2024 ની વચ્ચેનાં બધાં એમ્પ્લોયરને રાહત આપવામાં આવશે જેઓ ઈપીએફઓ સાથે તેમનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરી શક્યાં નથી અથવા રકમ જમા કરાવી શક્યાં નથી અથવા કર્મચારીઓનું ઈપીએફઓ ખાતું સક્રિય રહ્યું નથી.
નિયમો હેઠળ, જો કોઈ ફર્મમાં 20 કે તેથી વધુ કર્મચારીઓ હોય તો ઈપીએફઓ સાથે નોંધણી ફરજિયાત છે, પરંતુ મોટી સંખ્યામાં નાની કંપનીઓ એવી છે જે ઈપીએફઓ સાથે નોંધાયેલી નથી.