Rajkot,તા.02
રાજકોટ ઓઇલ એન્જિન ઉત્પાદક ફેક્ટરીએ ઇએસઆઇમાં કામદારોના કોન્ટ્રીબ્યુશનના નાણા મોડા જમા કરાવ્યા બાબતે અમદાવાદ ઇએસઆઇનો ડેમેજિસની રકમ સો ટકા ચૂકવવાનો હુકમ હાઇકોર્ટે પણ નામંજૂર કરી ડેમેજીસની 50% રકમ ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ સને ૧૯૮૯માં રાજકોટ આજી વસાહતમાં ડીઝલ એન્જીન બનાવતા વિજય એન્જિનિયરિંગ કોર્પોરેશનમાં ઈ.એસ.આઈ. કોર્પોરેશન, અમદાવાદના ઇન્સ્પેક્ટરે ચેકિંગ કરતા વિજય કોર્પોરેશન દ્વારા ઈ.એસ.આઈ.ના કામદારના કોન્ટ્રીબ્યુશનના નાણા ઇએસઆઇ કોર્પોરેશન સમક્ષ મોડા જમા કરાવેલ, તે અંગેની સી-૧૮ ની નોટીસ આપી કોર્પોરેશને વ્યાજ અને ડેમેજીસની ૧૦૦ % રકમ ચુકવવાનો હુકમ કર્યો હતો. તે હુકમથી નારાજ થઈ વિજય એન્જિનિયરિંગએ ઈ.એસ.આઈ. કોર્ટ, રાજકોટ સમક્ષ અરજી દાખલ કરેલ, જેમાં તા. ૬. ૪. ૨૦૦૪ના રોજ ઈ.એસ.આઈ. કોર્ટે કંપનીએ જમા કરેલ રકમના ૫૦ % રકમ કંપનીને પરત ચુકવવા હુકમ કરેલ હતો, અને ઠરાવેલ હતું કે, જયારે કંપનીએ કોર્પોરેશન સમક્ષ ડીલે રકમ ઉપર વ્યાજ જમા કરાવેલ છે, અને કોન્ટ્રીબ્યુશનની રકમ મોડી જમા કરવા અંગેના વ્યાજબી કારણો આપેલ છે, ત્યારે જમા થયેલ રકમ ઉપર ૧૦૦ % પેનલ્ટી ચુકવવાનો હુકમ વ્યાજબી નથી, અને તે મોડીફાઈ કરી ૫૦ % પેનલ્ટી ચુકવવાનો હુકમ ઈ.એસ.આઈ. કોર્ટ, રાજકોટે કરેલ હતો. ઇએસઆઇ કોર્ટના હુકમ સામે અમદાવાદ ઇએસઆઇ કોર્પોરેશને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અપીલ કરી ઉપરોકત ઈ.એસ.આઈ. કોર્ટ, રાજકોટના ચુકાદાને પડકારેલ હતો, અને રજુઆત કરેલ હતી કે, વ્યાજબી છે, અને કંપનીએ વ્યાજબી કારણ વગર ઈ.એસ.આઈ. કોન્ટ્રીબ્યુશન જમા કરવામાં ઢીલ કરેલ છે. તેથી સો ટકા રકમ જમા કરવાનો હુકમ વ્યાજબી છે.
જેની સામે વિજય એન્જિનિયરિંગ વતી એડવોકેટ પી.આર. દેસાઈએ દલીલ કરી હતી કે, કંપનીએ અમુક કામદારોના પગાર ધ્યાનમાં લઈ, તેઓ કામદારની વ્યાખ્યામાં આવતા નથી, તે કારણોસર કોન્ટ્રીબ્યુશનની રકમ જમા કરાવેલ ન હતી, અને બહારની વ્યક્તિઓ પાસે પણ કામ કરાવેલ, જે ચુકવણું “વેઈજીસ”ની વ્યાખ્યામાં આવતું નથી. જે રજૂઆતો ધ્યાનમાં લઈ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ ઈ.એસ.આઈ. કોર્પોરેશનની અપીલ ડિસમિસ કરી રાજકોટ ઈ.એસ.આઈ.કોર્ટનો ચુકાદો મંજૂર રાખ્યો છે. આ કામમાં ગુજરાત હાઈકોર્ટમાં સંસ્થા વતી સિનિયર એડવોકેટ પી.આર. દેસાઈ રોકાયા હતા.