સગીર સાથે જે કંઈ પણ બન્યું છે તે ખૂબ જ દુઃખદ છે. નિર્દોષ ઉપર અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું છે,ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા
Gondal,તા.૨
ગોંડલ શહેર ખાતે ગત ૧૮મી માર્ચના રોજ પાટીદાર સમાજના સગીરને ધોકા વડે બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. સમગ્ર મામલે સગીરના પિતા દ્વારા ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મયુરસિંહ ઝાલા સહિત ત્રણ જેટલા શખ્સો સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. આ ઘટનાને લઈને પાટીદાર સમાજમાં રોષ વ્યાપી ગયો છે. ત્યારે આ મામલે હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, ‘આ મામલે અમારા આગેવાનો ગોંડલ ગયા હતા. આ ઘટનામાં કાયદો કાયદાનું કામ કરે તેવું મારું માનવું છે. ગોંડલ ખાતે સામાજિક સૌહાર્દ અને શાંતિનું વાતાવરણ બની રહે તે જરૂરી છે.’
તો આ મામલે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ જણાવ્યું કે, ‘સગીર સાથે જે કંઈ પણ બન્યું છે તે ખૂબ જ દુઃખદ છે. નિર્દોષ ઉપર અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાને ખોડલધામ સખત શબ્દોમાં વખોડે છે. આ ઘટનાને લઈને પાટીદાર સમાજ સાથે સર્વ સમજે સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે.’ તેમણે કહ્યું છે કે, ‘આ મામલે સમાજના રાજકીય આગેવાનોએ પણ આગળ આવવું જોઈએ. તેમજ આ પ્રકારની ઘટનાને લઈને પાટીદાર સમાજના આગેવાનોએ સરકારમાં રજૂઆત કરવી જોઈએ.’
૧૮ માર્ચે ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પાટીદાર સમાજના સગીરને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેથી તે ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેથી ધારાસભ્ય જયેશ રાદડિયા અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ખુદ હોસ્પિટલે પહોંચ્યા હતા અને સારવાર લઈ રહેલા સગીરના ખબરઅંતર પૂછ્યા હતા. સાથે જ કઈ રીતે તેને માર મારવામાં આવ્યો એની હકીકત જાણી હતી. તો ભોગ બનનારના પિતાએ મયુરસિંહ ઝાલા, દર્શન તથા અન્ય એક શખ્સ સામે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જોકે, બીજી તરફ ભોગ બનનાર વિરુદ્ધ વળતી ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. મયુરસિંહ ઝાલાએ આરોપ લગાવ્યો હતો કે, ‘મારા સગીર દીકરાને ભોગ બનનાર વારંવાર કનડગત કરતા હતા.
આ બનાવને પગલે પોલીસે માર મારનારા ૨ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે મયુરસિંહ ઝાલા, દર્શનસિંહ ઝાલાની ધરપકડ કરી હતી. સાથે જ મયુરસિંહ સોલંકી નામનો આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી હતી. પાટીદાર સમાજના સગીરને ઢોર માર મારવામાં આવતા પાટીદાર સમાજમાં રોષ વ્યાપી ગયો હતો. પાટીદાર સમાજ દ્વારા શનિવારના રોજ ગોંડલ બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. જોકે, શુક્રવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા દ્વારા ભોગ બનનાર પરિવાર સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં ગોંડલ ડિવિઝનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ઘટતી કલમનો ઉમેરો કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. જેથી શુક્રવારના રોજ રાત્રે સગીરના પરિવારજનો દ્વારા ગોંડલ બંધનું એલાન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.