Jamnagar,તા 21
ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી નો આવતીકાલે જામનગરની મુલાકાત નો કાર્યક્રમ યોજાયો છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા નું તંત્ર તુરત હરકતમાં આવી ગયું હતું, અને રાજ્યપાલ શ્રી ના તમામ રૂટ પરથી દબાણ ને દૂર કરવાની મોટાપાયે કામગીરી હાથ ધરી લેવામાં આવી છે.
ગઈકાલે સાંજથી જ એસ્ટેટ શાખાની જુદી જુદી ત્રણ ટુકડીઓ દોડતી કરવામાં આવી હતી, અને રેકડી, કેબીનો, પથારા સહિતના દબાણો તેમજ મંજૂરી વગરના જાહેરાતના બોર્ડ, હોર્ડિંગ, કિયોસ્ક વગેરે ઉતારી લેવાની કામગીરી શરૂ કરી દેવાઇ હતી.
શનિવારે રાત્રી ભર કામગીરી ચાલી હતી, ત્યારબાદ રવિવારે વહેલી સવારથી ફરીથી મોટાપાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને બે દિવસ દરમિયાન કુલ ૫૦ થી વધુ દબાણો દૂર કરી લેવાયા હતા, અને અનેક માલ સામાન જપ્ત કરી લઇ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે. સાથો સાથ રોડ પર ખડકાયેલી ૧૦ કેબીનો જપ્ત કરીને કચેરીમાં જમા કરાવી દેવાઇ છે.
સમગ્ર એરપોર્ટથી લઈને ડી.કે.વી. કોલેજ સુધીના રોડ પર લગાવવામાં આવેલા ગેરકાયદે જાહેરાત ના હોર્ડિંગ, બોર્ડ વગેરે ૩૦૦ થી વધુ સાહિત્ય ઉતારી લેવામાં આવ્યું છે, અને તે પણ કબજે કરાયું છે.
આ સમગ્ર કાર્યવાહીને લઈને ઉપરોક્ત વિસ્તારમાં ભારે દોડધામ થઈ હતી. તંત્ર એ કોઈપણ પ્રકારની મચક આપ્યા વિના સંપૂર્ણ દબાણો હટાવી લીધા છે. મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા ના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ શાખાના નીતિનભાઈ મહેતા, અનવરભાઈ ગજ્જણ સહિતના અધિકારીઓની ટીમની રાહબરી હેઠળ ૩૫ થી વધુ કર્મચારીઓ સમગ્ર દબાણ હટાવ ઝુંબેશ માં જોડાયા છે.