New Delhi તા.19
યુક્રેન અને રશીયા વચ્ચેના યુધ્ધમાં રશીયા પર અમેરીકી પ્રતિબંધો બાદ હવે યુરોપીયન સંઘ પણ પ્રતિબંધો લાદી રહ્યું છે અને તેમાં ખાસ કરીને રશીયાના ક્રુડતેલ બીઝનેશને ટાર્ગેટ બનાવ્યું છે તે સમયે ભારતમાં રશીયન ક્રુડ તેલ પર આધારીત ગુજરાતની બે ટોચની રીફાઈનરીઓ નાયરા એનર્જીની સાથે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને આગામી સમયમાં પડકારનો સામનો કરવો પડે તેવા સંકેત છે.
યુરોપીયન સંઘે રશીયા પાસેથી ક્રુડ તેલ ખરીદનાર ગુજરાતની બન્ને રીફાઈનરીઓને પણ ટાર્ગેટ બનાવી છે અને તેના કારણે યુક્રેન રશીયા યુધ્ધના પ્રારંભ બાદ ભારત જે રીતે રશીયન ક્રુડ તેલ પર મોટુ આધારીત બની ગયું છે તેમાં દેશના હીતોને પણ અસર થશે. વાડીનાર બંદર ખાતેની રશીયન એનર્જી જાયન્ટ કંપની રોઝનેફટની 49 ટકાની ભાગીદારી નાયરામાં છે.
તે પોતાની આવશ્યકતાનું 50 ટકાથી વધુનું ક્રુડ તેલ રશીયામાંથી મેળવે છે જેના પર હવે યુરોપીયન દેશોએ પ્રતિબંધ મૂકયો છે. આ ઉપરાંત રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ યુધ્ધ બાદ વધુને વધુ રશીયન ક્રુડ તેલ ખરીદવા લાગ્યું હતું.
આમ હવે આ બન્ને માટે નવી મુશ્કેલીના સંકેત છે. રીલાયન્સ ઈન્ડ. કે જે રશીયન કંપની રોઝનેફટ પાસેથી મોટા પ્રમાણમાં ક્રુડ તેલ ખરીદે છે હવે રીલાયન્સે રશીયાના સસ્તા કુડ તેલને સ્થાને અન્ય દેશો પાસેથી ક્રુડ તેલ ખરીદવું પડે તેવી સ્થિતિ છે.
તો બીજી તરફ રશીયન કુડ તેલ ખરીદી ચાલુ રાખે તો તે યુરોપમાં જે મોટા પાયે ડીઝલની નીકાશ કરે છે તેને ફટકો પડશે ઉપરાંત અન્ય દેશો પાસેથી ક્રુડ તેલ ખરીદે તો તે રશીયા કરતા મોંઘુ બનશે.
યુરોપીયન સંઘે હાલમાં બજાર ભાવ 60 ડોલર પ્રતિ બેરલના ક્રુડતેલના ભાવ સામે રશીયા પર 47.6 ડોલર પ્રતિ બેરલનો ભાવ મર્યાદા નિશ્ચિત કરી છે. જે 3 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. બીજી તરફ અમેરીકાએ પણ રશીયા સાથે વ્યાપાર બદલ સો ટકા ટેરીફની ચેતવણી આપી છે.
નાયરા એનર્જી પર પ્રતિબંધો અત્યંત આકરા છે અને તેથી તેની રશીયન માલીકીની કંપનીએ નાયરાનો હિસ્સો વેચવો પણ પડે તેવી શકયતા છે. આ ઉપરાંત રશીયન ક્રુડ તેલ વહન કરતા આંતરરાષ્ટ્રીય ઓઈલ ટેન્કરો સામે પણ પગલા લેવાશે. આમ ભારત માટે અને ભારતીય રીફાઈનરીઓ માટે નવો પડકાર પેદા થયો છે.