Amreli, તા.11
વર્ષો સુધી સતત આંદોલન, રજૂઆતો અને લડત આપવા છતાં પણ જિલ્લા મથક અમરેલીમાં રેલવેની સમસ્યાઓ આઝાદી સમય પહેલા જેવી હતી તેવી જ છે. જિલ્લામાં બ્રોડગેજ લાઇન હોવા છતાં લોકોની જરૂરિયાત મુજબની લાંબા અંતરની ટ્રેન નવી બનેલી જેતલસર લાઇનમાં આપવામાં આવતી નથી. અમરેલીમાં બ્રોડગેજનું બ્રીજ બનાવવાનું કામ પણ લાંબા સમયથી અટક્યું છે અને શરૂ થતું નથી.
આ અંગેની વિગતો આપતા અમરેલી મિશન બ્રોડગેજ સમિતિના પ્રમુખ રાજેશભાઈ ગાંધીએ જણાવ્યું કે, અમરેલી શહેર અને જિલ્લામાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોને ફાયદો કરાવવાના હેતુથી લોકોના જાહેર હિતની ઘોર ખોદતી નેતાગીરીના કારણે આઝાદીના 78 વર્ષ પછી પણ અમરેલી શહેર અને જિલ્લામાં લાંબા અંતરની ટ્રેનની સુવિધા પ્રાપ્ત થઈ શકતી નથી જેના કારણે આ જિલ્લાના વિકાસ અટકી ગયો છે.
અમરેલીમાં આંદોલનના અંતે બ્રોડગેજ ની કામગીરી બે વર્ષ પહેલાં મંજુર કરવામાં આવી છે. પરંતુ લાંબા સમયથી શહેરમાં આવેલા જુદા જુદા રેલવે ફાટક ઉપર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થવાની હતી.
તે મહિનાઓ પછી પણ શરૂ થઈ નથી અને ક્યારે શરૂ થશે તે પણ નક્કી નથી. લાઠી રોડ ઉપર ઓવરબ્રિજ ક્યારે બનશે તે પણ નક્કી નથી. આ સિવિલ વર્કની કામગીરી પૂરી થાય તે પછી જ બ્રોડગેજ ક્ધવર્ઝેશન માટેનું ટેન્ડર બહાર પડે તેમ છે.
અમરેલી જિલ્લામાંથી પસાર થતી ઢસા જેતલસર રેલ્વે લાઈનને બ્રોડગેજમાં ક્ધવર્ટ કરવામાં આવી છે. આ લાઇન ઉપર લાંબા અંતરની ટ્રેન આપવા માટે લાંબા સમયથી સતત માગણીઓ કરવામાં આવતી હતી! તે પછી વેરાવળથી બનારસની ટ્રેન આપવામાં આવી છે. અમરેલી જિલ્લાને આ ટ્રેન મળી તે સારી વાત છે. પરંતુ લોકોની માંગણી અને જરૂરિયાત મુજબની લાંબા અંતરની એક પણ ટ્રેન અમરેલી જિલ્લાને આ રૂટમાં આપવામાં આવી નથી.
ઢસા જેતલસર રેલ્વે લાઈન ઉપર હાલમાં બનારસની ટ્રેન ચાલે છે પરંતુ તે અલગ રૂટ માંથી જ ચાલે છે જેમાં અહીંયા કોઈ પણ મહત્વના અને લોકો ઉપયોગ સ્ટેશન આવતા નથી. ભારતમાં અમદાવાદ થઈને દિલ્હી, મથુરા, અયોધ્યા, બનારસ સુધીની ટ્રેન આપવામાં આવે તો મહત્વના તમામ સ્ટેશનને આવરી શકાય તેમ છે. વેરાવળ હરિદ્વાર ટ્રેનની માગણી વર્ષોથી પેન્ડિંગ છે.
અમરેલી જિલ્લામાંથી હાલમાં મુંબઈની સપ્તાહમાં ત્રણ ટ્રેન ચાલે છે પરંતુ તે અમરેલી શહેરમાંથી પસાર થતી નથી. મોટાભાગે તેમાં લોકોને ટિકિટ મળતી નથી. અને ખાનગી વાહન ચાલે છે. જેમાં બેફામ રીતે ભાડામાં લૂંટફાટ કરવામાં આવે છે. અગાઉ મુંબઈ જવા માટે અમરેલીથી એક એસટી બસ ચાલતી હતી તે બંધ થઈ ગયા બાદ સતત માંગણી કરવા છતાં પણ અમરેલીના નેતાઓ મુંબઈ માટેની એક બસ પણ ચાલુ કરાવી શકતા નથી.

