Gandhinagar, તા.7
હાલમાં જ ગુજરાત સરકારે રેતી સહિતના બાંધકામ માટેના ખનીજની રોયલ્ટી વધારવામાં આવતા બાંધકામ ઉદ્યોગ ઉપર વધારાનો બોજો આવશે અને ઘરેણુથી લઈ વ્યાપારી બાંધકામો વધુ મોંઘા થશે તેવી ચિંતા વચ્ચે ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી જેને ગુજરેરા તરીકે ઓળખવામાં આવે છે.
તેને એક અભ્યાસમાં દર્શાવ્યું છે કે, દેશમાં બાંધકામ અને રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં સૌથી વધુ મોંઘુ એ ગુજરાત મોખરે છે. અને છેલ્લા 8 વર્ષમાં આવાસના ભાવમાં 34 ટકા જેવો મોટો વધારો થયો છે એ વાસ્તવિકતા છે કે જમીનની વધતી જતી કિંમત અને મોંઘા થતા જતા કન્ટ્રકશનના કારણે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે.
તે સમયે ગુજરેરાનું આ વિશ્લેષણ એ દર્શાવે છે ઘરનું ઘર લેવું સામાન્ય પરીવાર માટે વધુ મોંઘુ બની રહ્યું છે જેમાં અમદાવાદ સૌથી ટોચના સ્થાને છે જયારે ગાંધીનગર પણ તેની સાથે સ્પર્ધા કરી રહ્યું છે જયારે સુરત અને વડોદરા પછી રાજકોટમાં રેસીડેન્શીયલ પ્રોપર્ટીના ભાવ વધારામાં રાજયમાં ચોથા નંબરનું સ્થાન ધરાવે છે.
આ રીપોર્ટમાં જણાવ્યું છે કે, સરેરાશ ગુજરાતમાં 2017-18માં બાંધકામ ખર્ચ પ્રતિ સ્કેવર મીટર રૂા.40231 આવતો હતો તે 2024-25માં વધીનું રૂા.54139 થઈ ગયો છે. આમ 34 ટકા જેવો ભાવ વધારો થયો છે. ખાસ કરીને રેસીડેન્સ કેટેગરીમાં જે રીતે આવાસમાં જે લકઝરીને પણ મહત્વ અપાઈ રહ્યું છે તેનો પણ ફાળો છે.
જયારે જમીનના ભાવ અને તેના આનુસાંગીક ખર્ચા વધ્યા છે. ક્રેડાઈના ગુજરાત વા.પ્રેસીડેન્ટ વિરલ શાહે પણ સ્વીકાર્યુ કે જમીનના ભાવમાં જે તીવ્ર વધારો થયો છે. અને કન્ટ્રકશન ખર્ચ પણ વધ્યુ છે તેનું આ પરિણામ છે અને મહત્વનું એ છે તમામ ભાવ વધારો ડેવલપર ગ્રાહકો ઉપર પાસઓન કરી શકતા નથી. અને તેને કારણે તેના પ્રોફીટ માર્જીન એટલે કે નફાની ટકાવારી પણ અસર થઈ છે.
ખાસ કરીને રેસીડેન્શીયલ કન્ટ્રકશન 2017-18માં રૂા.26677 પ્રતિ સ્કવેર મીટર હતું તે 2024-25માં વધીને રૂા.40691 થયું છે. જોકે 2023-24માં તો તે તેનાથી પણ વધુ રૂા.41895 હતું અને આ અસર ફકત મહાનગરોમાં નહીં પણ જીલ્લા સ્તર ઉપર પણ થઈ રહી છે.
અમદાવાદ તો સતત રહેણાંક મિલકતોના ભાવ વધારામાં ગુજરાતને લીડ કરે છે. 2017-18માં સરેરાશ અહીં રૂા.43 લાખમાં એવરેજ રેસીડેન્સીયલ પ્રોપર્ટી મળતી હતી તે આજે રૂા.79 લાખ થઈ ગઈ છે. જોકે તાજેતરમાં તેમાં થોડો ફાયદો થયો છે અને રૂા.56 લાખની એવરેજ મિલ્કતો ઉપલબ્ધ છે.
બિલ્ડરને તે મુજબ પોતાના એસ્ટીમેન્ટને એડજસ્ટ કરવા પડે છે. દર વર્ષે સરેરાશ બાંધકામ ખર્ચ વધતો જાય છે. જેનું એક કારણ શહેરીકરણ પરનું દબાણ છે. લોકો મોટા શહેર ભણી વળી રહ્યા છે અને તેના કારણે અહીં મિલકતોની માંગ પણ વધી છે.