Rajkot,તા.1
રાજકોટ સહિત રાજયભરનાં રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર છે. જેમાં ગત માસ દરમ્યાન પણ ઈ-કેવાયસી નહી કરાવનાર રેશન કાર્ડ ધારકોનો અનાજનો જથ્થો બંધ નહીં થાય અને ચાલુ માસમાં પણ રાશનનો જથ્થો મળતો રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારોને રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. નિયમ મુજબ, જે રેશનકાર્ડ ધારકો ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તેમને રાશન મળતું બંધ થઈ જશે.
રાજય અને રાજકોટ જિલ્લાના 37 લાખ રેશનકાર્ડ ધારકોમાંથી અત્યાર સુધીમાં માત્ર 16 લાખ લોકોએ જ આ પ્રક્રિયા પૂર્ણ કરી છે, જે લગભગ 43 ટકા જેટલી કામગીરી છે.ઈ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ હતી. જો કે, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ ચોક્કસ માર્ગદર્શન ન આવતા, પુરવઠા વિભાગ દ્વારા હાલ આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે.
વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોઈ નવી સૂચનાઓ ન આવે ત્યાં સુધી લોકો ઈ-કેવાયસી કરાવી શકશે અને તેમને રાબેતા મુજબ અનાજ પણ મળતું રહેશે.આગામી સમયમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા ઈ-કેવાયસીની મુદત વધારવામાં આવે તેવી પણ શક્યતા છે. હાલમાં રેશનકાર્ડ ધારકોને રાશન મળતું બંધ નહીં થાય.આ સમાચાર થી રેશનકાર્ડ ધારકોને મોટી રાહત થઈ છે.