Ahmedabad,તા.24
શહેરમાં ઇવેન્ટ મેનેજર તરીકે કામ કરતી યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ યુવતીને એક શખ્સે પ્રેમજાળમાં ફસાવીને સંબંધ બાંધીને 60 હજાર પડાવી લીધા હતા.
આરોપી પરિણીત અને બે બાળકોનો પિતા હોવાનું સામે આવતા યુવતી તેના ઘરે પહોંચી હતી. ત્યારે આરોપીએ તેની સાથે ટાઈમપાસ કરતો હોવાનું કહીને યુવતીને કાઢી મૂકી હતી. જેથી આ સમગ્ર મામલે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના ચાંદલોડિયામાં રહેતી 29 વર્ષીય યુવતી ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. યુવતી જે કંપનીમાં કામ કરતી હતી તેના માલિકના મિત્ર આસિફ અલી મનિયાર સાથે મુલાકાત થઈ હતી. યુવતી અને આસિફઅલી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આસિફઅલી યુવતીને ઘરેથી લઈને એસજી હાઈવે પર હોટલમાં જમવા ગયો હતો.
બાદમાં ગોમતીપુર હોટલમાં રૂમ રાખીને બંને રહ્યા હતા. તે વખતે આસિફ અલીએ યુવતી સાથે સંબંધ બાંધ્યો હતો. દરમિયાન એક મહિલાનો ફોન આવતા આસિફઅલી પરિણીત હોવાનો અને બે બાળકોનો પિતા હોવાનો ખુલાસો થયો હતો.
આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં આસિફઅલીએ અમારા ધર્મમાં ચાર લગ્ન થાય છે તેમ કહીને લગ્નની લાલચ આપીને ફરી સંબંધ બાંધ્યા હતા. બાદમાં આસિફઅલીએ દેવું થઈ ગયું હોવાનું બહાનું કરીને યુવતી પાસે 60 હજાર પડાવી લીધા હતા.
આસિફ અલીની પત્નીને ત્રીજું બાળક થવાનું હોવાથી યુવતીએ જલદી લગ્ન કરવાનું કહેતા તેણે ટાઈમપાસ કરતો હોવાનું કહીને યુવતીને દગો આપ્યો હતો. શહેરકોટડા પોલીસે આસિફઅલી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.