New Delhiતા.19
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા આત્મઘાતી વિસ્ફોટની તપાસમાં કેન્દ્રીય એજન્સી ઇડી પણ જોડાઇ છે, ઇડીએ દિલ્હી-એનસીઆરમાં અલ-ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ટ્રસ્ટી અને પ્રમોટર્સને ત્યાં આશરે 30 જેટલા સ્થળે દરોડા પાડયા હતા.
બીજી તરફ આ આતંકી વિસ્ફોટ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા સામે આવ્યા છે. જ્યારે વિસ્ફોટ માટે ખુદને બોમ્બ સાથે ઉડાવી દેનારા આરોપી ઉમર નબીનો ઘટના પહેલા બનાવાયેલો વીડિયો સામે આવ્યો છે.
લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરના રોજ થયેલા વિસ્ફોટમાં 15 લોકોના મોત નિપજ્યા હતા. આ હુમલાને અંજામ આપવા માટે ઉમર નબીએ ખુદને એક કારમાં બોમ્બથી ઉડાવી દીધો હતો. જોકે આત્મઘાતી હુમલા પહેલા ઉમર નબીએ એક વીડિયો બનાવ્યો હતો, જેના પરથી તેની કટ્ટરવાદી માનસિકતા પણ સામે આવી છે.
ઉમર આ વીડિયોમાં કહી રહ્યો છે કે ઇસ્લામમાં આત્મહત્યા હરામ છે પરંતુ બોમ્બિંગ મંજૂર છે. આશરે દોઢ મિનિટના અંગ્રેજી ભાષામાં બનાવેલા સેલ્ફી વીડિયોમાં ઉમર વધુમાં આત્મઘાતી હુમલા કરનારની માનસિક સ્થિતિ અંગે વાત કરતો જોવા મળ્યો હતો.
બીજી તરફ દિલ્હી વિસ્ફોટમાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા સાથેનો એક વીડિયો સામે આવ્યો છે જેની હાલ એજન્સીઓ દ્વારા તપાસ કરાઇ રહી હોવાના અહેવાલો છે. આ વીડિયોને એજન્સીઓએ મંગળવારે જ રિકવર કર્યો છે, એજન્સીઓનું માનવું છે કે આ વીડિયોમાં જે અવાજ છે તે ખરેખર શાહિદ ફૈસલનો છે.
શાહિદ ફૈસલ બેંગલુના પ્રખ્યાત રામેશ્વરમ કેફે બ્લાસ્ટને અંજામ આપનારા મોડયુલનો ઓપરેટર છે. તે વર્ષ 2012માં સાઉદી અરબ ભાગી ગયો હતો અને હવે તે પાકિસ્તાનમાં સક્રિય છે.
તેના પર 10 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર થઇ ચુક્યું છે. જે વીડિયો મીડિયાને હાથ લાગ્યો છે તેમાં ગુજરાત, કાશ્મીર, આસામ અને ભાગલપુુરનો બદલો લેવા માટે મુઝાહિદ્દીન તરફથી સતત હુમલાની ધમકી પણ અપાઇ છે.

