સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની ધરપકડ કરી
Rajkot,તા.09
શહેરના મવડી વિસ્તારમાં રહેતી યુવતીનાં નામનું બોગસ ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તે જ યુવતીને મેસેજ કરી આઇડી ધારકે ગાળો આપ્યાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે સાયબર ક્રાઇમ પોલીસે આઇડી ધારક અક્ષય સોરઠીયાની ધરપકડ કરતા તે યુવતીનો પૂર્વ પ્રેમી જ નીકળ્યો હતો.
મામલામા શહેરના મવડી વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તારીખ 1 એપ્રિલના રોજ મારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર કોઈ અજાણ્યા ઇન્સ્ટાગ્રામ યુઝર આઈડીનો મેસેજ આવેલ હતો કે, તમારું આઈડી હેક થઈ ગયેલ છે અને આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાંથી મારો ફોટો ચોરી કરી તેમાં મુકેલ હતો. વધુમાં યુવતીએ જણાવ્યું હતું કે, મેં આ બાબતે તેમાં વધુ ધ્યાન આપેલ નહીં પરંતુ અજાણ્યા ઇન્સ્ટાગ્રામ યુઝર આઇડીના ધારકે મને મેસેજમાં ચારિત્ર અંગે ગાળો આપી હતી. બાદ અજાણ્યા શખ્સે આ એકાઉન્ટનું યુઝર આઇડી બદલી નાખ્યું હતું. જેથી મેં તેને બ્લોક કરી દીધેલ હતો અને સ્ક્રીનશોટ લઈ આ બાબતે સાયબર હેલ્પલાઇન 1930 માં ફોન કરી અરજી લખાવેલ હતી. પીઆઈ એમ એ ઝણકાતની ટીમે ઘટનાની તપાસ કરતા ઇન્સ્ટાગ્રામ આઇડી જે મોબાઈલ નંબર પરથી ઓપરેટર કરવામાં આવી રહ્યું હતું તેનાં પરથી આરોપી અક્ષય સોરઠીયાને ઉઠાવી લઈ પૂછપરછ કરતા અક્ષય સોરઠીયાએ કેફીયત આપી હતી કે, અગાઉ તે યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો પણ બંને વચ્ચેના સંબંધમાં ખટાશ આવતા યુવતીએ સંબંધ તોડી નાખ્યો હતો જેનો ખાર રાખીને અક્ષય સોરઠીયાએ જ યુવતીનાં નામવાળું બોગસ ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી યુવતીને મેસેજમાં ગાળો આપી હતી. પોલીસે અક્ષય સોરઠીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.