પરંપરાગત સંગીત, નૃત્ય અને રંગબેરંગી આફ્રિકન સંસ્કૃતિ વચ્ચે મહિલાઓએ જમીન પર સૂઈને સન્માન કર્યું
Johannesburg, તા.૨૨
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ એરપોર્ટ પર શુક્રવારે એક એવી ક્ષણ જોવા મળી, જેણે ભારતની વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠાને સમગ્ર વિશ્વની સામે વધુ ઊંચી કરી દીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ‘ભારત’ લખેલા ખાસ વિમાનમાંથી બહાર નીકળ્યા, ત્યારે એરપોર્ટ પર હાજર સ્થાનિક મહિલા કલાકારોએ જે રીતે તેમનું સ્વાગત કર્યું, તે માત્ર ભવ્ય જ નહોતું, પરંતુ ઐતિહાસિક હતું. પરંપરાગત સંગીત, નૃત્ય અને રંગબેરંગી આફ્રિકન સંસ્કૃતિ વચ્ચે મહિલાઓએ જમીન પર સૂઈને જે રીતે સન્માન કર્યું, એવું દૃશ્ય કદાચ પહેલાં કોઈ ભારતીય વડાપ્રધાનને આફ્રિકન ધરતી પર જોવા નહીં મળ્યું હોય.
લાલ કાર્પેટ પર આગળ વધતાં વડાપ્રધાન મોદીએ જ્યારે આ કલાકારોને જોયા, ત્યારે તેમણે હસતાં હસતાં હાથ જોડીને અભિવાદન સ્વીકાર્યું. સામે મહિલાઓ પોતાના પરંપરાગત વસ્ત્રોમાં પૂર્ણ શ્રદ્ધા સાથે ‘સાષ્ટાંગ’ જેવી મુદ્રામાં હતી. આ દૃશ્ય કેમેરામાં કેદ થયું અને જોત-જોતામાં જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું. ઘણા લોકોએ તેને ભારત-આફ્રિકા સંબંધોની નવી પરિભાષા ગણાવી.
જમીન પર ‘સાષ્ટાંગ’ જેવી મુદ્રામાં સૂઈને સન્માન કરવું એ અતિથિ-સન્માનની સર્વોચ્ચ રીત ગણાય છે. આ એક ભાવનાત્મક, સાંસ્કૃતિક અને આદરની અભિવ્યક્તિ છે. તસવીરમાં દેખાય છે કે મહિલાઓ પરંપરાગત આફ્રિકન પોશાકમાં જમીન પર સૂઈને સન્માન આપી રહી છે અને વડાપ્રધાન મોદી ઝૂકીને હાથ જોડીને તેમનું અભિવાદન સ્વીકારી રહ્યા છે. આ દૃશ્યએ વિશ્વને સંદેશો આપ્યો કે ભારતની વૈશ્વિક ઇમેજ માત્ર રાજનીતિ કે કૂટનીતિથી નહીં, પણ દિલના સંબંધો અને સન્માનની સંસ્કૃતિ દ્વારા પણ સતત મજબૂત થઈ રહી છે.
જોહાનિસબર્ગ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની પોસ્ટમાં લખ્યું કે, “જોહાનિસબર્ગ પહોંચીને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. હું ય્-૨૦ સમિટ સાથે જોડાયેલી મહત્વની બેઠકોમાં ભાગ લઈશ. વિશ્વભરના નેતાઓ સાથેની અમારી ચર્ચા વૈશ્વિક મુદ્દાઓ પર સહકાર વધારવા અને વિકાસની પ્રાથમિકતાઓને આગળ ધપાવવા પર કેન્દ્રિત રહેશે.
અમારો ધ્યેય બધા માટે વધુ સારું ભવિષ્ય સુનિશ્ચિત કરવાનો છે.” આ સંદેશ દર્શાવે છે કે ભારત માત્ર ભાગીદાર બનીને નહીં, પણ વૈશ્વિક નેતૃત્વને દિશા આપીને આવનારા નિર્ણયોમાં મોટું યોગદાન આપવા જઈ રહ્યું છે.

