New York તા.4
અમેરિકાનું એક F-16 ફાઇટર જેટ ટ્રેનિંગ મિશન દરમિયાન કેલિફોર્નિયામાં ક્રેશ થઈ ગયું હતું. દુર્ઘટનાગ્રસ્ત થતાની સાથે જ ફાઇટર જેટ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
અમેરિકન એરફોર્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ દુર્ઘટના કેલિફોર્નિયાના ટ્રોના એરપોર્ટ પાસે બની હતી, જ્યાં એલીટ `થંડરબર્ડ્સ સ્ક્વોડ્રન’નું F-16 ફાઇટર જેટ ક્રેશ થયું. આ અકસ્માત સર્જાય તે પહેલાં જ પાઇલટ વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. પાઇલટને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
અમેરિકન વાયુસેનાના જણાવ્યા અનુસાર, ફાઇટર જેટ ડેથ વેલીની દક્ષિણે આવેલા એક દૂરના રણ વિસ્તારમાં જઈને પડ્યું હતું. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાઇલટ પેરાશૂટથી સુરક્ષિત રીતે બહાર નીકળે તે પહેલાં વિમાન જમીન તરફ ઝડપથી નીચે આવી રહ્યું હતું. જેવું જ જેટ જમીન સાથે અથડાયું, તેમાં જોરદાર વિસ્ફોટ થયો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.
પ્રાથમિક તપાસમાં જણાવાયું છે કે F-16 અજ્ઞાત સંજોગોમાં અકસ્માતનો શિકાર બન્યું હતું. એરફોર્સના 57મા વિંગના પબ્લિક અફેર્સ ઓફિસે જણાવ્યું કે ઘટનાની તપાસ ચાલી રહી છે અને ક્રેશ સાઇટનું મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ વધુ માહિતી જાહેર કરવામાં આવશે.
F-16 અમેરિકાનું પ્રખ્યાત અને શક્તિશાળી ફાઇટર જેટ છે, જેને 1970ના દાયકામાં જનરલ ડાયનેમિક્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે તેને અમેરિકી સંરક્ષણ કંપની લોકહીડ માર્ટિન બનાવે છે. પાકિસ્તાન સહિત 25થી વધુ દેશો F-16નો ઉપયોગ કરે છે.
ખરેખર, 1980ના દાયકાથી આ લડાકુ વિમાન પાકિસ્તાન પાસે છે. અમેરિકા અને પાકિસ્તાનની આ ડીલથી ભારત નારાજ છે. તેથી આજ સુધી ભારતે અમેરિકા પાસેથી F-16 ફાઈટર જેટ લીધું નથી.

