Junagadh, તા.29
જુનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2010માં ડે.મેયરની હત્યા આર્મ એકટ વિગેરે ગુન્હાઓમાં જેલમાંથી પેરોલ પર છુટી અશ્વિન વલકુભાઈ ફરાર થઈ ગયો હતો. ગત તા.12 સપ્ટેમ્બરના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.
હાલ જુનાગઢ જેલમાં અશ્વિન વલકુ પાસેથી ત્રણ મોબાઈલ ફોન, ઈન્ટરનેટ રાઉટર, બે ડ્રાઈવીંગ લાયસન્સ, બે આધારકાર્ડ, પાનકાર્ડ, બે બેંક એટીએમ કાર્ડ, બે સીમ કાર્ડ કબ્જે કરવામાં આવ્યા હતા. જેની તપાસ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.કે. ઝાલાને સોપવામાં આવી હતી.
જેની તપાસ દરમ્યાન આરોપીએ ગુન્હાહીત પ્રવૃત્તિ કરવા તથા પોલીસથી દુર રહેવા નાગલપુરના વિજય ભનુભાઈ કાંબલીયાના નામનું આધાર કાર્ડ મેળવી તેમાં તેનો ફોટા લગાવી તથા જામનગરની પટેલ કોલોનીના મનોજભાઈ હરદાસભાઈ વાઘેલાના નામનું બનાવટી આધાર કાર્ડ બનાવી લીધા હતા.
જેનો ઉપયોગ સીમકાર્ડ ખરીદવા કર્યો હતો. ઉપરાંત ઉતરપ્રદેશ રાજયનું રામસિંઘ સંતોષસિંઘ રે. બીરામપુર કેરાકતના નામના ડ્રાઈવીંગ લાયસન્સમાં પોતાનો ફોટો લગાવી બનાવટી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવી લીધાનું સામે આવ્યું છે.
આરોપી અશ્વિને પોતાના નામનો મહારાષ્ટ્ર માલેગામના આધાર કાર્ડ તથા ચુંટણી કાર્ડ બનાવી લીધેલ જે આધારકાર્ડનો ઉપયોગ કરી માલેગાવ આરટીઓ કચેરીમાંથી ડ્રાઈવીંગ લાયસન્સ સીમકાર્ડ મેળવી અને કોટક બેંકમાં ખાતુ ખોલલી લીધાનું તપાસમાં ખુલવા પામ્યું છે.
ઉપરાંત અશ્વિન વલકુએ રાણાવાવના કેશવાલા, રામભાઈ જીવાભાઈના પાન કાર્ડમાં બીજાના પાન નંબરનો ઉપયોગ કરી બનાવટી આઈકર વિભાગનું પાનકાર્ડ બનાવ્યાનું પણ સામે આવ્યું છે. પીએસઆઈ ઝાલાએ ફરીયાદી બની આરોપી અશ્વિન વલકુ વિરૂધ્ધ બનાવટી ડોકયુમેન્ટનો ગુન્હો નોંધાવતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

