Junagadh,તા.06
જૂનાગઢના ધારાસભ્યના ફોટાનો દુરૂપયોગ કરી અજાણ્યા શખ્સોએ ફેક ફેસબુક અને ઇન્સ્ટા આઈ.ડી. બનાવ્યું હતું. આ અંગે તપાસ કરવામાં આવતા ફેક આઈ.ડી. પાકિસ્તાનમાંથી બન્યા હોવાનું ખુલ્યું હતું. આ અંગે આપવામાં આવેલી અરજીના આધારે આજે ધારાસભ્યના સેક્રેટરીએ ફરિયાદ કરતા બી ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા અને તેના સેક્રેટરી તા.૬-૭-૨૦૨૫ના સવારે દસેક વાગ્યે ઝાંઝરડા રોડ પર બેઠા હતા ત્યારે ધારાસભ્યને તેમના નામનું કોઈએ ફેક ફેસબુક અને ઇન્સ્ટા આઈ.ડી.બનાવ્યાનુ ધ્યાનમાં આવ્યું હતું. તેમાં તેનો ફોટો પણ હતો. આ આઈ.ડી.તેણે બનાવ્યું ન હતું. કોઈ અજાણ્યા શખ્સે છેતરપિંડી, અયોગ્ય મેસેજ કરવા કે લોકોને ગેરમાર્ગે દોરવા ધારાસભ્યના નામનું ફેક આઈ.ડી. બનાવી ફોટાનો દૂરૂપયોગ કરી ઇમેજને નુકસાન કરવાના ઇરાદાથી આ ફેક આઈ.ડી. બનાવ્યા અંગે તપાસ કરવા જૂનાગઢ સાયબર સેલમાં અરજી આપવામાં આવી હતી, જેના આધારે સાયબર સેલે મેટા પાસેથી માહિતી મંગાવતા આ ફેક ફેસબુક આઈ.ડી. પાકિસ્તાનમાંથી બન્યું હોવાની વિગત આપી પાકિસ્તાનનો સંપર્ક કરી માહિતી મેળવવા જણાવ્યું હતું, જ્યારે ઇન્સ્ટા આઈ.ડી.ના આઈ.પી. એરટેલ કંપનીના આઈ.પી. આપ્યા હતા.એરટેલ કંપની પાસેથી માહિતી માંગતા ત્યાંથી બે શંકાસ્પદ નંબર આપ્યા હતા અને તે એક નંબર પર ધારાસભ્યનું ફેક ઇન્સ્ટા આઈ.ડી. એક્ટિવ હોવાની માહિતી આપી હતી.

