Surat,તા.2
ગુજરાતમાંથી નકલી અધિકારીથી માંડીને નકલી કચેરીઓનો પર્દાફાશ થયો જ છે ત્યારે હવે તેને પણ આંટી દયે તેવી નકલી વિઝા ફેકટરીનો ખુલાસો થયો છે. સુરતના અડાજણમાંથી આ કારસ્તાન પકડીને જુદા-જુદા દેશોના વિઝાના નકલી સ્ટીકરો જપ્ત કરીને પ્રતિક શાહ નામના શખ્સની ધરપકડ કરી છે.
નકલી વિઝા કૌભાંડ દેશવ્યાપી હોવાની શંકા છે. કારણ કે આરોપી દ્વારા જુદા-જુદા રાજયોમાં એજન્ટો રાખીને નકલી વિઝા સ્ટીકરો આપવામાં આવતા હતા.
થોડા વખત પુર્વે ઉતરપ્રદેશમાંથી નકલી દુતાવાસનો ભાંડાફોડ થયા બાદ આજે સુરતના અડાજણમાંથી નકલી વિઝા ફેકટરી પકડાઈ હતી.
ચોકકસ બાતમીના આધારે સુરતમાં પીસીબી તથા એસઓજીએ દરોડા ઓપરેશન હાથ ધર્યુ હતુ અને તેમાં પ્રતિક શાહ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં બ્રિટન, કેનેડા, સર્બિયા, ચેકોસ્લોવાકીયા તથા યુરોપીયન દેશોના નકલી વિઝા સ્ટીકર મળી આવ્યા હતા. આ તમામ દેશોના નકલી વિઝા બનાવાતા હતા. પાંચ વિઝા સ્ટીકર જપ્ત કરવામાં આવ્યા હતા.
પ્રાથમીક તપાસમાં આરોપી પ્રતિક શાહે એવી ચોંકાવનારી કબુલાત આપી હતી કે તે આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ તથા હરિયાણાના એજન્ટોને વેચતો હતો તેના આધારે સમગ્ર કૌભાંડ દેશવ્યાપી હોવાની આશંકા વ્યક્ત થાય છે. પોલીસ દરોડા ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસનો રેલો અન્ય રાજયો સુધી પહોંચવાના એંધાણ છે.
ગુજરાત નકલી-ડુપ્લીકેટનો અડ્ડો હોય તેમ છેલ્લા કેટલાંક મહિનાઓમાં નકલી પોલીસ અધિકારી, નકલી કચેરી, નકલી માલસામાન, નકલી ઓર્ડર સહિતના અનેકવિધ કૌભાંડો પકડાયા છે.
સુરતમાં સાત દિવસ પુર્વે જ નકલી ડ્રગ્સ બનાવતી ફેકટરી પકડી પાડી હતી. 12 ગ્રામ તૈયાર ડ્રગ્સ ઉપરાંત કાચા માલ સાથે 6 શખ્સોની ધરપકડ કરી હતી. આ પુર્વે બે મહિના અગાઉ સરથાણામાંથી સોનાના નકલી દાગીના કાંડનો પર્દાફાશ કર્યો હતો.