Surendranagarતા.09
ધોળકા શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા ચંડીસર રોડ ઉપર નમી ગયેલું ખીજડાનું વૃક્ષ સોસાયટીના રહિશો અને વાહનચાલકો માટે ખતરારૂપ બન્યું છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ મામલે આંખ આડા કાન કરવામાં આવતા હોવાના આક્ષેપો ઉઠયા છે.
ધોળકા શહેરમાં ચંડીસર રોડ ઉપર વિરાટ નગર સોસાયટીની સામે શ્રીરંગ પાર્ક સોસાયટી આવેલી છે. આ સોસાયટીની દિવાલને અડીને મુખ્ય માર્ગ ઉપર એક નમી ગયેલી હાલતમાં વર્ષો જુનું ખીજડાનું વૃક્ષ આવેલું છે. આ ખીજડાનું વૃક્ષ પડું પડું થઇ રહ્યું છે. એટલું જ નહીં આ વૃક્ષની ડાળીઓ વચ્ચેથી જીવંત વીજ વાયરો પસાર થઇ રહ્યાં છે. આ જોખમી વૃક્ષ પડશે તો કોઇ મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા દેખાઇ રહી છે. ચંડીસર રોડ ઉપરથી દૈનિક હજારો વાહન પસાર થાય છે ત્યારે આ ગંભીર ગણી શકાય તેવી સમસ્યાને લઇ સોસાયટીના રહિશોએ સંબંધિત તંત્રને લેખિતમાં રજૂઆત કરી છેે. કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા તંત્ર સત્વેરે ઘટતી કામગીરી હાથ ધરે તેવી માંગણી ઉઠવા પામી છે.