Gondal તા.6
ગોંડલ તાલુકાના ઉમવાડા ગામ નજીક કોલીથડ-અનીડા ભાલોડી માર્ગ પર ગઈકાલે એક ઇકો કાર નાળામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ત્રણ લોકો પૈકી એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ચરખડી ગામના રહેવાસી જગદીશભાઈ ચનાભાઈ સોલંકી (ઉ.વ. 34) તેમના ભાણેજ કિશનભાઈ અને અન્ય એક વ્યક્તિ સાથે ઇકો કારમાં કોલીથડ ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.
તે દરમિયાન, કોલીથડ-અનીડા ભાલોડી માર્ગ પર નાળાને પહોળો કરવાની કામગીરી ચાલી રહી હોવાથી ડાયવર્ઝન મૂકવામાં આવ્યું હતું. કારચાલકને આ ડાયવર્ઝન ન દેખાતા કાર સીધી નાળામાં ખાબકી હતી.
અકસ્માતને પગલે કારમાં સવાર મામા-ભાણેજ સહિત ત્રણેય લોકોમાંથી જગદીશભાઈ સોલંકીને ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ગોંડલની ડો. વાડોદરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે, તેમના ભાણેજ કિશનભાઈ અને અન્ય વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો અને તેમને કોઈ ઈજા થઈ ન હતી.
ઘટનાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસના મયુરધ્વજસિંહ રાણા અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.