Gondal,તા.05
ગોંડલના મોવિયાના ખેડૂતે જ્યોતીગ્રામ ફિડરમાંથી ડાયરેકટ લંગરીયું નાંખી વિજ સપ્લાય ચાલું કરી દેતાં લાઈન રીપેરીંગમાં આવેલ ટીમની સમય સુચકતાથી માંડ જીવ બચી ગયો હતો. બનાવ અંગે વિજ ચોરી કરનાર ખેડૂત વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે ગોંડલમાં જેતપુર રોડ પર રહેતાં સંદીપકુમાર છગનભાઈ હિરાણી (ઉ.વ.૪૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિનોદ ભગવાન રાણપરીયા (રહે. મોવિયા, ગોંડલ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ પીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવે છે. કુંડલા ખેતીવાડી ફીડરમાં એસ.એસ.માથી લાઈન ક્લીયર કરાવેલ તેમ છતા પાવર આવે છે જેથી આ પાવર ક્યાં ફીડરમાંથી આવે છે તે બાબતે તપાસ કરતા વિનોદ ભગવાન રાણપરીયાની ખેતીની વાડીએથી પાવર આવતો હોવાનુ જણાય આવેલ છે. જેથી વિનોદ રાણપરીયાની વાડીએ પહોંચી તપાસ કરતા વાડીએ કુંડલા ખેતીવાડી ફીડરમાંથી વીજ કનેક્શન મેળવેલ હોય જેમાં કેબલ દ્વારા અન્ય વીજ કનેક્શન ગેરકાયદેસર મેળવેલ હોવાનુ જોવામા આવેલ હતું.
જે ગેરકાયદેસર કેબલ દ્વારા મેળવેલ કનેક્શન બાબતે તપાસ કરતા જે કેબલ મીલાઈટ કારખાના પાસે આવેલ ટી.સી.માથી મેળવેલ હોવાનુ જણાતા દોલતપર જ્યોતી ગ્રામ ફીડર બંધ કરતાં રીટર્ન પાવર આવતો બંધ થયેલ અને મોવીયા ગામે માંડણકુંડલા રોડ પર આવેલ મીલાઈટ ફૂડ કારખાના વાળા વીજજોડાણના ટ્રાન્સફોર્મરના ડી.ઓ. (ડ્રોપ આઉટ) ઉતારી કન્ફર્મ કરેલ કે પાવર દોલતપર જ્યોતીગ્રામ ફીડરના આ જ ટ્રાન્સફોર્મરમાંથી આવે છે. ત્યારબાદ મિલાઈટ કારખાનાની બાજુમાં આવેલ ખેતર જે વિનોદ રાણપરીયાના નામનું ખેતીવાડી હેતુનું એન્ટ ટેરીફનું ૭.૫ હોર્સ પાવરનું વીજ જોડાણ આવેલ છે. જેનું અલગથી વીજ ટ્રાન્સફોર્મરના ડી.ઓ. ઉતારતા પાવર આવતો બંધ થઈ જતો હતો અને ડી.ઓ. ચડાવતાં પાછો પાવર આવતો હતો.આરોપીએ જ્યોતિગ્રામ ફીડરમાંથી વાયરનું લંગરીયું નાંખી વીજચોરી કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.