Ahmedabad,તા.૮
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ગુજરાત સરકારે જાહેર કરેલ ખેડૂતોના સહાય પેકેજને ’મજાક’ પેકેજ ગણાવ્યું. સરકારે જાહેર કરેલા પેકેજ અંગે નિવેદન આપતા કહ્યું કે, સહાય પેકેજમાંથી ખેડૂતોને આત્મહત્યા કરવા ઝેરી દવા ખરીદી શકાય. સરકારે એવી જાહેરાત કરી કે ખેડૂતોના ઘરે હેલિકોપ્ટર આવી જાય.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત ખેડૂતોની સહાયતા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે ૧૦ હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યુ છે. જેને ગોપાલ ઈટાલિયાએ મજાક પેકેજ ગણાવ્યું છે. સરકારે જાહેર કરેલ ખેડૂત સહાય પેકેજ મામલે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગોપાલ ઈટાલિયાએ આ પેકેજને કૃષિ મજાક પેકેજ ગણાવ્યું. તેમણે કહ્યું કે, સરકારે જાહેરાત એટલી મોટી કરી જાણે ખેડૂતોના ઘરમાં હેલિકોપ્ટર આવી જાય. અઠવાડિયા સુધી ખેડૂતોના ખેતરે મંત્રીઓએ ફોટા પડાવ્યા બાદ કોથળામાંથી બિલાડું કાઢ્યું. એક હેક્ટર દીઠ ૫૦,૦૦૦ ની સહાય ખેડૂતોને મળવી જોઈએ. માત્ર ૨ હેક્ટર નહિ, ખેડૂતોની તમામ નુકસાની આપવી જોઈએ. સરકારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા જોઈએ.
ગાંધીધામમાં થયેલ જાહેર સભામાં ગોપાલ ઈટાલિયાને વિસાવદરમાં શું કામ કર્યા તે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ગાંધીધામની સભામાં પ્રશ્નો પૂછવા મામલે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, જ્યાં આમ આદમી પાર્ટીની સભા હોય ત્યાં ભાજપના કાર્યકરો આ રીતે ડિસ્ટર્બ કરવાનું કાર્ય કરે છે. ભાજપ પાસે હજુ સમય છે સત્તા છે, તો કામ કરો આવું કરવાથી ભાજપનું ભલું નહીં થાય. સભામાં પૂછાયેલ પ્રશ્ન મામલે પણ ગોપાલ ઈટાલિયાએ જવાબ આપ્યો કે, મને વિસાવદરની જનતાએ ગુજરાતના લોકોની આંખ ઉઘડવા અને ભાજપ ભગાડવા ચૂંટાયો છે જે કામ હું કરી રહ્યું છું.
કોંગ્રેસ નેતા દૂધાતના નિવેદનને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગુજરાતના ૫૪ લાખ ખેડૂત અમારા મા-બાપ છે. કોઈ એક બે ખેડૂત નહીં, આખા ગુજરાતના ખેડૂત માતા-પિતા અમારા માઈ બાપ છે. અમે ખેડૂતના મુદે લડાઈ લડવા માટે નીકળ્યા છીએ. કોંગ્રેસ અને ભાજપ પણ ખેડૂતના મુદ્દે લડાઈ લડે. તેને બદલે ચાર મહિનાથી હું ધારાસભ્ય બન્યો છું તો મારી સામે આખું ગુજરાત કોંગ્રેસ લડે છે. આવું કરવા કરતા ખેડૂતોના મૂળે લડાઈ લડવી જોઈએ. રઘવાયા થવાની જરૂર નથી.

