મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલી સહાય પેકેજની વિગતે જાણકારી અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી
Gandhinagar, તા.૭
ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને થઈ છે. માવઠું થતાં ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળતાં ખેડૂતો પાયમાલ થયા છે.
ખેડૂતોના મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે આજે શુક્રવારે(૭ નવેમ્બર, ૨૦૨૫) રાજ્ય સરકારે રૂ.૧૦ હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલી સહાય પેકેજની વિગતે જાણકારી અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
રાજ્ય સરકારે ખેડૂતોના પાક નુકસાન સહાય પેકેજની જાહેરાત કરી છે. કૃષિ મંત્રીએ ખેડૂતો માટેના રાહત પેકેજની વિગતો જાહેર કરતાં જણાવ્યું કે, કમોસમી વરસાદના કારણે રાજ્યના ૧૬,૫૦૦ ગામોમાં ખેડૂતોને ૪૪ લાખથી વધુ હેક્ટરના વાવેતરમાં નુકસાન થયું છે, જેમાં ૯,૮૧૫ કરોડ રૂપિયાનું પેકેજ છે. જેમાં કોઇપણ ખેડૂત જેને નુકસાન થયું છે તે બાકાત રહેશે નહી. આમ ખેડૂતોને પ્રતિ હેક્ટર ૨૨,૦૦૦ રૂપિયા બે હેક્ટરની મર્યાદામાં અપાશે.’
કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના ૧૬,૫૦૦ થી વધુ ગામોમાં સર્વેની સૂચનાઓ આપવામાં આવી છે. સર્વેની કામગીરી માટે ૫૧,૦૦ ટીમો કાર્યરત કરવામાં આવી. ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ.૨૨,૦૦૦ની સહાય મળશે. જેમાં પિયત કે બિન પિયત બાજુમાં રાખીને ખેડૂતોને પાકનુકસાની સહાય ચૂકવવામાં આવશે.

