Wadhwan તા.2
ઝાલાવાડમાં સૌથી વધારે કપાસની ખેતી બાદ ખેડૂતો મોટા પ્રમાણમાં દાડમની પણ ખેતી કરે છે ત્યારે કપાસના ભાવ બેસી જવાની ભીતિ વચ્ચે હાલ દાડમના ભાવ એકાએક તળિયે બેસી જતા ઝાલાવાડના ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.કપાસની જેમ દાડમની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરાય એવી ખેડૂતોની માંગ ઉઠી છે. બટેકાના કિલોના રૂ.25, ડુંગળીના રૂ.30 અને દાડમના કિલોના ભાવ માત્ર રૂ.20 થઇ જવાના કારણે દાડમની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી થઇ છે.
હાલ સ્થાનિક કપાસની સીઝન શરૂ થવાની તૈયારી છે. સરકાર દ્વારા વિદેશી કપાસની આયાત ઉપર છુટ જાહેર કરતા સ્થાનિક કપાસના ભાવ પણ તળિયે બેસી જવાની ભીતિ સેવાઇ રહી છે. કપાસનો પાક હાથમાં આવવાની તૈયારી હોય ત્યારે જ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઇ જાય છે. જેથી ખેડૂતો ધીમેધીમે બાગાયતી ખેતીમાં વધારે આવક મળવાની લાલચે દાડમની ખેતી કરી રહ્યા છે.
ઝાલાવાડમાં અનેક ખેડૂતોએ દાડમની ખેતી કરી હજારો છોડનું વાવેતર કર્યુ છે. દાડમના ખેડૂતોને પ્રતિ કિલો રૂ.85થી 105 સુધીના ભાવ મળતા હતા. પરંતુ હાલ ખેડૂતોનો દાડમનો પાક હાથમાં આવ્યો ત્યારે એકાએક દાડમના ભાવ ધડામ દઇને તળિયે બેસી જતા દાડમની ખેતી કરતા ખેડૂતો ઉપર આભ તૂટી પડયા જેવી સ્થિતિ સર્જાઇ છે.
વિદેશી કપાસની આયાત ઉપર કર મુકિત કરતાની સાથે જ હાલ સ્થાનિક કપાસની સીઝન ચાલુ થઇ રહી છે ત્યારે કપાસના ભાવ તળિયે બેસી જવાની ભીતિ સેવાઇ રહી છે. એવામાં દાડમનો પાક તો તૈયાર થઇ ગયો છે એવા સમયે ભાવ એકાએક તળિયે બેસી જતા દાડમની ખેતીવાળા ખેડૂતો પણ મુંઝવણમાં મુકાયા છે.
દાડમની સીઝનના સમયે જ એકાએક ભાવ તળિયે બેસી ગયા છે. અનેક ખેડૂતોના દાડમના પાકમાં બેકટેરીયલ બ્લાઇડ (ફંગશ)નો રોગ આવવાના કારણે અનેક ખેડૂતોને દાડમ છોડ ઉપરથી ઉતારીને ફેંકી દેવાની સ્થિતિ સર્જાઇ છે. આમ ભાવ તળિયે બેસી ગયા અને રોગ પણ આવ્યો જેથી ખેડૂતોને પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે.