સીએમ માન હોસ્પિટલમાં દાખલ છે, પણ અહીંથી તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેબિનેટની બેઠકમાં ભાગ લીધો
Chandigarh, તા.૮
પૂરથી બરબાદ થયેલા પાકનું દર્દ વેઠી રહેલા પંજાબના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભગવંત માને સોમવારે મોટી જાહેરાત કરી છે. પંજાબ કેબિનેટે નિર્ણય લીધો છે કે રાજ્યના ખેડૂતોને હવે ૨૦,૦૦૦ રૂપિયા પ્રતિ એકરના હિસાબથી વળતર આપવામાં આવશે. આ વળતરની રકમ દેશભરના ખેડૂતોને મળતી સૌથી વધારે મદદ માનવામાં આવી રહી છે.
સીએમ માન છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ છે, પણ અહીંથી તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેબિનેટની બેઠકમાં ભાગ લીધો અને ખેડૂતોના રાહત પેકેજને મંજૂરી આપી. તેમણે કહ્યું કે, પંજાબ સરકાર દરેક સંજોગોમાં ખેડૂતો સાથે ઊભી છે.
બેઠકમાં વધુ એક મહત્ત્વના નિર્ણયને મંજૂરી આપી છે. જે અંતર્ગત જેની ખેતર, તેની રેતી યોજનાને લીલીઝંડી આપી છે. હવે જે ખેતરમાં પૂર દરમિયાન રેતી જમા થઈ છે, ત્યાંનો માલિકીનો હક ખેડૂતોને જ મળશે. એટલે કે ખેડૂતો તે રેતીને વેચીને આવક મેળવી શકશે.
સરકારનો દાવો છે કે આ નિર્ણયથી ખેડૂતોને ડબલ ફાયદો થશે. એક તરફ ખેતર સાફ થશે અને બીજી તરફ તેમને આર્થિક મદદ મળશે.
મુખ્યમંત્રી માને કેબિનેટ બેઠક બાદ વિસ્તારથી રાહત પેકેજની જાણકારી આપી. તેમણે કહ્યું કે, પૂરથી થયેલી તબાહીને જોતા પંજાબ સરકારે ખેડૂતો, ઢોર અને સામાન્ય લોકો માટે કેટલાય પગલાં ઉઠાવ્યા છે.
– ખેતરમાંથી માટી-રેતી ઉપાડવાની મંજૂરી- પૂરમાં આવેલી રેતને ખેડૂતો વેચી શકશે
– ૨૦ હજાર રૂપિયા પ્રતિ એકર વળતર- પાકના નુકસાનનું વળતર સીધા ચેક દ્વારા આપવામાં આવશે
– ૪ લાખ રૂપિયાનું વળતર-પૂરમાં જીવ ગુમાવનારા પરિવારને મળશે
– ઘર પડવાનો સર્વે- જેમના ઘર તૂટ્યા છે, તેમને આર્થિક મદદ આપવામાં આવશે
– દેવા પર રાહત- સરકારી સોસાયટી અને સરકારી બેન્કોમાંથી લીધેલી લોન પર ૬ મહિના સુધી હપ્તા ચૂકવવાના નથી. વ્યાજ પણ માફ.
– ઢોર માટે વળતર- જેમના ઢોર પૂરમાં મરી ગયા છે, તેમને મદદ આપવામાં આવશે
– રસીકરણ અભિયાન- ઢોરમાં બીમારી ન ફેલાય, તેના માટે સરકાર રસીકરણ કરાવશે
– ફોગિંગ અને મેડિકલ કેમ્પ- શહેરો અને ગામડામાં સફાઈ, ફોગિંગ મશીનો અને લોકો માટે નજીકમાં સ્વાસ્થ્ય કેમ્પ લગાવવામાં આવશે.
– શાળા અને સરકારી ઈમારતોનો સર્વે- પૂરમાં નુકસાન થયેલી ઈમારતોને રિપેર કરશે