Surendranagar , તા.28
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આજે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડૂતો પર થયેલા દમન અને અન્યાય સામે કિસાન એકતા મંચ ગુજરાતના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી મૂળી મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતોના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી અનેક માંગણીઓ રજૂ કરી હતી.
આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કપાસના પાકની ખરીદી વખતે વેપારીઓ દ્વારા ખેડૂતોને મળતા ભાવમાં થતો કડદા તાત્કાલિક રીતે બંધ કરાવવો, તેમજ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નક્કી કરાયેલી 70 મણની લિમિટ વધારીને ઓછામાં ઓછું 250 મણ કરવામાં આવે તેવી મુખ્ય માંગણી રાખવામાં આવી હતી.
આ ઉપરાંત બોટાદના કડદા ગામમાં 85 ખેડૂતો સામે ખોટા કેસો દાખલ કરી દમન સહિત કાર્યવાહી કરનાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા, નિર્દોષ ખેડૂતોને ન્યાય મળે અને પોલીસ દ્વારા પરિવાર સાથે કરાયેલા દમનની તપાસ થાય તેવી માંગ સાથે અવેદનપત્ર પાઠવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન કિસાન એકતા મંચના આગેવાનોએ જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વિશાળ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મૂળી મામલતદાર કચેરી આગળ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેડૂતો દ્વારા ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો હતો. કિસાન એકતા મંચના પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ લડત ખેડૂત હક માટેની છે અને ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓની લડત ચાલુ રહેશે.

