Vadodara,તા.16
વડોદરા-હાલોલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. જરોદ પોલીસ મથકની હદમાં આવેલી રેલીસ હોટલ નજીક ઈકો કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બે વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં ઈકોમાં સવાર એક માસૂમ બાળકી અને બાઈકચાલકે જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.મળતી વિગતો અનુસાર, મેડી મદાર ગામનો એક પરિવાર ઈકો કારમાં સવાર થઈને હાલોલ તરફ જઈ રહ્યો હતો. ઈકો કારમાં માતા, પિતા અને પુત્રી સવાર હતા. જ્યારે કાર રેલીસ હોટલ નજીક રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે પૂરપાટ ઝડપે આવતી બાઈક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.
હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બે લોકોએ દમ તોડ્યો હતો. કારમાં સવાર માસૂમ બાળકી રક્ષાનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈકચાલકનું પણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત બાઈક પર પાછળ બેઠેલા અન્ય વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી છે, જેઓ હાલ સારવાર હેઠળ છે.જરોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને વાહનો કબજે લીધા છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર રોડ ક્રોસ કરતી વખતે સાવચેતીના અભાવે આ દુર્ઘટના ઘટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. આ અકસ્માતને પગલે મેડી મદાર ગામના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

