Ahmedabad,તા.19
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દાણીલીમડા પોલીસ લાઈન નજીક AMCના ડમ્પર ચાલકે એક એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ડમ્પર ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવક પોતાના એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા AMCના ડમ્પરે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે યુવક ડમ્પર નીચે આવી ગયો હતો અને ગંભીર ઈજાઓને કારણે તેણે દમ તોડી દીધો હતો. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ દાણીલીમડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટના બાદ દાણીલીમડા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની છે અને સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિક નિયમોના કડક પાલન અને બેફામ ચાલતા ભારે વાહનો પર અંકુશ મૂકવાની માંગ કરવામાં આવી છે.