Ahmedabad,તા.10
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મોડી રાત્રે (નવમી ફેબ્રુઆરી) કાર અને આઇસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે બે બાળકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતક દંપતી અમદાવાદના શાહીબાગ વિસ્તારનું રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના શાહીબાગમાં રહેતા 36 વર્ષીય ગણપતલાલ જૈન, પત્ની ઉષાબેન અને તેમના બે બાળકો ગત મોડી રાત્રે કારમાં વડોદરાથી અમદાવાદ આવી રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર તેમની કાર ઓવરસ્પીડમાં આગળ ચાલતી આઇસર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે તેમના બે નાના બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને બે બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે