Junagadh તા.17
વંથલી તાબેના મહોબતપુર (નવાગામ)માં રહેતા અને મજુરી કામ કરતા આધેડ સુખપુર ચોકડી પાસે ઉભા હતા ત્યારે બે શખ્સોએ 19 વર્ષ પહેલા થયેલ ઝઘડામાં છરી વડે ખૂની હૂમલો કરતા આંતરડા બહાર કાઢી નાખ્યા હતા.
નવાગામ રહેતા બગડા ચંદુભાઈ ખાખાભાઈ તેઓ તેમના ભાઈ-ભત્રીજાઓ સાતે મજુરી કામે ગયા હતા. સાંજે કામ પૂર્ણ કરી પરત આવતા પાટીયા ઉપર ભત્રીજાઓની રાહ જોઈને ઉભા હતા ત્યારે આરોપીઓ નરેશ ઉર્ફે કારીયો દેવશી બગડા, સંદીપ ઉર્ફે સનો દેવસી બગડા બન્ને ભાઈઓએ 19 વર્ષ પહેલાના ઝગડાનું મનદુ:ખ હોય તેમાં બોલાચાલી કરી છરી વડે તુટી પડયા હતા.
જેમાં ચંદુભાઈના આંતરડા બહાર નીકળી ગયા હતા અને હા પગમાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. લોકો એકત્ર થઈ જતા આરોપીઓ ભાગી છુટયા હતા. ઈજાગ્રસ્ત ચંદુભાઈને 108માં સિવિલમાં ખસેડાયા હતા. આ અંગેની ચંદુભાઈના ભાઈ સોમાભાઈ ઉર્ફે ભોલાભાઈ ખાખાભાઈ બગડાએ વંથલી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

