Rajkot,તા.26
ભગવતીપરામાં વાહન સરખું રાખવાનું કહેતા કરિયાણાના વેપારીને છરીનો ઘા ઝીંકી દેવાયો હતો. વેપારીને બચાવવા પડેલા પિતાને પણ પાડોશમાં રહેતા હુમલાખોરે છરી હુલાવતા પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થયાં હતા.
બનાવ અંગે ભગવતીપરામાં કોપરગ્રીન સોસાયટી શેરી નંબર-2 માં રહેતા 39 વર્ષીય કરિયાણાના વેપારી વિજયભાઈ ધીરજલાલ વેકરીયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં જ રહેતા પ્રિન્સ પરેશભાઈ સોલંકીનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે મારૂતિનગર મેઇન રોડ ઉપર મારુતિ કરિયાણા નામની પ્રોવિઝનની દુકાન ધરાવી વેપાર કરે છે. ગઇ તા.24 રાત્રીના સવા નવ વાગ્યે તેઓ અને તેમના પત્ની અંજના દુકાન બંધ કરી બાઈકમાં બેસી ઘરે જવા નીકળેલ હતા. રાત્રીના આશરે પોણા દશેક વાગ્યે સોસાયટીના ગેટ પાસે પહોંચતા શેરીમાં મકાન નં.-04 માં રહેતા પરેશ સોલંકીનો પુત્ર પ્રિન્સ ગેટ ખાતે જ તેનું બાઈક રાખીને બેઠો હતો.
ત્યારે તેઓએ વળાંક લેતાં પાછળ બેસેલ પત્નીના પગમાં પ્રિન્સનું વાહન અડી ગયું હતું. જેથી પ્રિન્સને વાહન સરખું રાખવા બાબતે ઠપકો આપેલ હતો. જે બાદ પ્રિન્સ જીભાજોડી કરવા લાગેલ હતો. દરમ્યાન પત્નીએ પિતાને ફોન કરી દેતાં તે ત્યાં આવી ગયેલ હતા. બાદમાં પ્રિન્સ પિતા-પુત્ર ઝઘડો કરી ગાળો બોલી મારામારી કરી હતી.
બાદમાં પત્ની અહીં સાથે છે તેમ કહેતા પ્રિન્સ ઉશ્કેરાઇ ગયેલ અને છરી કાઢી ઘા ઝીંકી દિધો હતો. તેના પિતા વચ્ચે પડતા તેને પણ છરીથી ઘા ઝીંકતા ઇજા થયેલ હતી.
બાદમાં પ્રિન્સ ત્રણેયને ગાળો આપી કહેવા લાગેલ કે, હવે તું બહાર નીકળ તને પતાવી દેવો છે કહી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગેલ હતો. દરમિયાન સ્થાનિકો એકત્રિત થઈ જતાં પ્રિન્સ નાસી ગયો હતો અને અમે પિતા-પુત્ર સારવાર અર્થે 108 એમ્બયુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં દાખલ થયાં હતા. બનાવને પગલે બી ડિવિઝન પોલીસે વેપારી યુવાનની ફરિયાદ પરથી ગુનો નોંધી પ્રિન્સ સોલંકીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.