કોર્ટના આદેશ બાદ પોલીસે તપાસ કરી આરોપી કાકાની ધરપકડ કરી છે જ્યારે ફરાર પિતાની તપાસ ચાલું છે
Banaskantha, તા.૯
જિલ્લાના સહરદી વિસ્તારમાં ઓનર કિલિંગની એક ચોંકાવનારી ઘટનાએ આખા ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો છે. આ ઘટનામાં પ્રેમી સાથે મૈત્રિ કરાર બેઠળ લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી જુવાનજોઘ દીકરીને તેના જ પિતા અને કાકાએ મળીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આટલું જ નહીં તેમને આખો કાંડ કર્યા બાદ કોઈની જાણ બહાર તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. જોકે બનાવ પહેલાના ઘટનાક્રમને ધ્યાને લઈને તેના કથિત પ્રેમી હાઈકોર્ટ પહોંચ્યો ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને કોર્ટના આદેશ બાદ પોલીસે તપાસ કરી આરોપી કાકાની ધરપકડ કરી છે જ્યારે ફરાર પિતાની તપાસ ચાલું છે.
ફરિયાદ મુજબ, થરાદ તાલુકાના દાંતિયા ગામે રહેતા સેંધભાઈ દરઘાબાઈ ચૌધરીની પુત્રી ચંદ્રિકા પાલનપુરમાં હોસ્ટેલમાં રહીને પરીક્ષાની તૈયારી કરી રહી હતી. આ દરમિયાન, તેનો સંપર્ક થરાદ તાલુકાના વડગામડા ગામના હરેશ ચૌધરી નામના યુવક સાથે થયો હતો. બંને વચ્ચે મિત્રતા થઈ, જે પાછળથી પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ હતી. જેથી ચંદ્રિકા અને હરેશે લગ્ન કરવાનું નક્કી કર્યું અને ૪ મે, ૨૦૨૫ના રોજ, ચંદ્રિકા પરિવારના લગ્નમાં હાજરી આપવા પાલનપુરથી દાંતિયા આવી હતી. આ દરમિયાન, તેણે પરિવારને પોતાના પ્રેમ સંબંધ અને લગ્નની ઈચ્છા વિશે જણાવ્યું, પરંતુ પરિવારે તેને ચંદ્રિકાના પરિવારે આ સંબંધનો સખત વિરોધ કર્યો હતો.
આ ઘટના બાદ, ચંદ્રિકાને તેનો પરિવાર દબાણપૂર્વક ઘરે લાગ્યો અને તેનો દ્ગઈઈ્ સહિતનો અભ્યાસ પણ બંધ કરાવી દીધો હતો. આ ઉપરાંત અન્ય જગ્યાએ ચંદ્રિકાના લગ્ન કરાવવાનો પ્રયાસ પણ હતો. આ તમામ ઘટનાની વાત ચંદ્રિકા, તેના પ્રેમી હરેશને કોલ તથા સોશિયલ મીડિયાના માધ્યમથી કરતી હતી. ખાસ આ બાબતે ચંદ્રિકાએ સોશિયલ મીડિયા મારફતે હરેશને જાણ કરી અને કહ્યું કે, આપણા પ્રેમ સંબંધની વાત મારા પરિવારજનોને ખબર પડી ગઈ છે અને તેઓએ મારો અભ્યાસ બંધ કરાવી દીધો છે, હવે તેઓ મારા લગ્ન બીજી જગ્યાએ કરાવી દેશે. જેથી તું મને અહીંથી લઈ જા.
આ મેજેસ મળતા જ હરીશે ચંદ્રિકાને તારીખ ૪ જૂન ૨૦૨૫ના રોજ ચંદ્રિકા અમદાવાદ ખાતે લઈ આવ્યો હતો અને બંનેએ રાજી ખુશીથી મૈત્રી કરાર કર્યા હતા. જે બાદ બંને લીવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા અને પહેલા મધ્યપ્રદેશ તથા બાદમાં રાજસ્થાનમાં ફરવા માટે ગયા હતા. દરમિયાન બીજી તરફ ચંદ્રિકાના પરિવારજનોએ તેના ગુમ થયાની અરજી થરાદ પોલીસ મથકે આપતા પોલીસે ચંદ્રિકાની શોધખોળ હાથ ધરી હતી. જે દરમિયાન રાજસ્થાનના ભાલેસરથી ચંદ્રિકા અને હરેશ મળી આવતા થરાદ પોલીસે બંનેને થરાદ પોલીસ મથકે હાજર કર્યા હતા અને ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ, ચંદ્રિકાને તેના પરિવારને સોંપી હતી.
આ સમગ્ર ઘટના બાદ ચંદ્રિકાના પરિવારે મૈત્રી કરાર મંજૂર ન કર્યો અને ચંદ્રિકાના અન્ય જગ્યાએ લગ્ન કરાવવાનું નક્કી કર્યું. આ સમયે પણ ચંદ્રિકા, ફોન મારફતે પ્રેમી હરેશના સંપર્કમાં હતી. જેથ ચંદ્રિકાના પરિવારે તેને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું. જેની જાણ થતા જ ચંદ્રિકાએ હરેશને સોશિયલ મીડિયા મારફતે ઈસ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતા કે, તું મને અહીંયાથી લઈ જા, નહિંતર મારો પરિવાર મને મારી નાખશે. (આ ઈમોશનલ મેસેજ પણ હાલ સામે આવ્યા છે.) પરંતુ હરેશ કંઈ કરી શકે તે પહેલા જ પિતા સેંધાભાઈ અને કાકા શિવરામભાઈએ ચંદ્રિકાનું ઢીમ ઢાળી દીધું હતું અને તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા.
આ બાબતની હરેશને જાણ થતા જ તેણે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ (કોઈએ બંધકને, હાજર કરવા માટેની અરજી) અરજી કરી હતી. જે બાદ હાઇકોર્ટે ચંદ્રિકાને હાજર કરવા માટે પોલીસને નોટિસ આપી હતી. હાઇકોર્ટના આદેશ બાદ પોલીસે તપાસ શરુ કરી, ત્યારે પોલીસને ચંદ્રિકાના મોત અંગે શંકા જણાતા કાકા શિવરામભાઈ પટેલની અટકાયત કરી પૂછતાછ હાથ ધરી હતી. જે દરમિયાન શિવરામભાઈ પટેલે અને તેમના ભાઈ સેધાભાઈ પટેલે ચંદ્રિકાની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
ચંદ્રિકાના કાકા શિવરામભાઈની કબુલાત અનુસાર, કાકા-પિતાએ સાથે મળીને ૨૪ જુનની રાતે ચંદ્રિકાને ઊંઘની ગોળી આપી, દુપટ્ટાથી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી, જે બાદ સવારે ચંદ્રિકાની હત્યા થઈ હોવાના પુરાવા ન મળે તે માટે રાતોરાત બંને ભાઈઓએ ભેગા મળી ચંદ્રિકાના મૃતદેહને પોતાના ગામમાં આવેલ સ્મશાનમાં અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા અને ચંદ્રિકાના મર્ડરને નેચરલ ડેથમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. પ્લાનિંગ મુજબ તેઓ સફળ પણ થયા, પરંતુ પ્રેમી હરેશ ચૌધરીની એક હેબિયસ કોર્પસ અરજીને આધારે આખો ભાંડો ફૂટી ગયો.
મહત્વની વાત તો એ છે કે, હરેશ ચૌધરી પર કચ્છમાં પ્રોહીબેશનનો ગુનો પણ નોંધાયેલો છે. ઉપરાંત, હરેશ ચૌધરીના લગ્ન થઈ ગયા છે અને તેને એક છોકરી પણ છે, જોકે તેની પત્ની છેલ્લા કેટલાય સમયથી સાથે રહેતી નથી. જેથી તેને, ચંદ્રિકા ચૌધરી સાથે મૈત્રી કરાર કર્યા હતા હતા. જે બાબતે તે કેમેરા સામે કંઈક પણ બોલવા તૈયાર નથી. કારણ કે, ચંદ્રિકાના કેસમાં તેના આરોપી પિતા હાલ વોન્ટેડ છે અને તપાસમાં નુકસાન થઈ શકે તેમ છે, જેના કારણે તે આ કેસમાં કશું કહેવા માગતો નથી.
હાલ આ મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચંદ્રિકાના ફરાર પિતા સેધાભાઈ પટેલની શોધખોળ હાથ ધરી છે.
નોંધનિય છે કે, દીકરીના પ્રેમ સબંધથી ના ખુશ પિતાએ કાકા સાથે મળીને આવો લોહીયાળ ખેલ ખેલી નાખ્યો છે, ત્યારે પ્રેમી સામે પહેલા પણ ગુનાઓ નોંધાયેલા હોવા છતાં, તેની હિમતના કારણે જ આ ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. જેને આખા ગુજરાતને હચમચાવી મુક્યું છે. “બાપના હાથોમાં સુરક્ષિત બાળપણ વિતાવનાર દીકરીને ગળેટૂંપો દેતા એક બાપનો જીવ કેમનો ચાલ્યો હશે.” તેવી ચર્ચાઓ ચારેય કોર ચાલી રહી છે. જેથી આ મામલે મૃતકના ફરાર પિતા પકડાયા બાદ વધુ તથ્યો બહાર આવવાની સંભાવનાઓ છે.