Junagadh,તા. 20
જુનાગઢના પોલીસ દફતરે એક ખૂબ જ ધૃણાસ્પદ અને એક પિતાના નામને કલંકિત કરતી અને શરમથી માથું ઝૂકી જાય તેવી બાબત નોંધાઈ છે, જો કે, આ ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ભોગ બનેલી સગીરાના નરાધમ બાપ અને પાડોશીને દબોચી લઇ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ૧૫ વર્ષીય સગીરાની દર્દનાક અને હ્યદય દ્રાવક ઘટના ફરિયાદ બુકમાં નોંધાઈ છે. જે મુજબ એક નરાધમ બાપ પોતાની માસુમ અને ફુલ સમાન ૧૦ વર્ષની દીકરીને પાંચ વર્ષ સુધી પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો હતો, આ દીકરી ૧૫ વર્ષની થઈ ત્યાં સુધી નરાધમ બાપ તેમના પર દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો.
અંતે, સગા બાપાના શારીરિક ત્રાસથી બચવા હિંમત કરી આ દીકરીએ તેના એક પાડોશીને વાત કરતા, પાડોશી પણ નરાધમ નીકળ્યો અને તેમણે પણ સગીરાની નિર્દોષતાનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું.
દરમિયાન આ બાબતની ૧૮૧ ટીમને ધ્યાને આવતા, ૧૮૧ ટીમ તાત્કાલિક સગીરાના સ્થળ પર પહોંચી હતી, અને સગીરાનું કાઉન્સેલિંગ કરી, નિવેદન નોંધ્યું હતું. અને તાલુકા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાતા, તાલુકા પોલીસે તરૂણીના પિતા અને પાડોશી સામે પોસ્કો એક્ટ સહિતની કલમો અંતર્ગત ગુન્હો નોંધ્યો હતો, અને તાલુકા પી.આઈ. ગાગણીયા સહિતની ટીમે આ કેસના બંને આરોપીઓ એવા તરૂણીના પિતા અને પાડોશીને ગણતરીની કલાકોમાં જ દબોચી લઇ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનામાં દીકરીની કરુણતા એ છે કે, ભોગ બનનાર સગીરાની માતા માનસિક રીતે અસ્વસ્થ છે, સગીરાને એક અન્ય બહેન છે, જે તેના મામા સાથે રહે છે.
જુનાગઢ પંથકમાં એક સગા બાપે નરાધમ બની, પોતાના જ અંસ એવી પારેવડાં જેવી દીકરીને પાંચ વર્ષ દરમિયાન પોતાનો હવસનો શિકાર બનાવતા અને માસૂમ દીકરીનો નિર્દોષતા અને ભોળપણનો લાભ ઉઠાવી, નરાધમ પાડોશીએ પણ દુષ્કર્મ ગુજારતા આ નરાધમ શખ્સો સામે ભારે ફિટકાર વર્ષી રહ્યો છે.

