લોખંડના હથિયાર વડે માર મારી પ્રૌઢને લોહીલુહાણ કરી કંટાળી વાડીમાં ફેંકી દીધા
Jasdan,તા.22
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં વાડીના હલાણ પ્રશ્ને શેઢા પાડોશીએ પ્રૌઢ પર લોખંડના હથિયાર વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. શેઢા પાડોશી પિતા-પુત્રના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા માથાના ભાગે હેમરેજ થયાંનું તબીબે જાહેર કર્યું હતું.
મૂળ વડોદરાના કરજણ તાલુકાના વતની અને હાલ જસદણના ગોડલાધાર વિસ્તારમાં રહેતા 40 વર્ષીય યુવાન ભુરાભાઈ રાહાભાઈ પરમારે જસદણ પોલિસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોડલાધારમાં રહેતા દહેરુ દિલાભાઈ પરમાર અને રાહુલ ઉર્ફે મંગળું દહેરુભાઈ પરમાર નામના પિતા-પુત્રનું નામ આપતાં જણાવ્યું હતું કે,
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈ તા.18/09/2025 ના રોજ બપોરના બાર વાગ્યાની આસપાસ હું ગોડલાધાર ગામે મારા ખેતરે હતો. ત્યારે મારા કાકાના દીકરા જહાભાઈ લખાભાઇ પરમારનો મારા મોબાઈલમાં ફોન આવેલ કે, ગોડલાધાર ગામેથી દેહુરભાઈ પરમારના દીકરા રાહુલ ઉર્ફે મંગળુનો મને ફોન આવેલ કે, તમારા કાકા કાળુભાઈને તળાવમાં આવેલ વાડીના રસ્તામાં મારા પિતા દેહુરભાઈએ મારેલ છે તમે કાળુભાઈને લઈ જજો તેમ વાત કરેલ હતી. જેથી હું તથા મારા ભાઈ ધુધાભાઈ રાહાભાઈ તથા ધુડાભાઇ લખમણભાઈ, સંજયભાઈ લખાભાઈ મોટરસાયકલ લઈને પાટિયાના તળાવમાં આવેલ વાડી ખાતે દોડી ગયેલ હતા. જ્યાં કાકા કાળુભાઈ તળાના કાંઠે રસ્તામાં થોરની કાંટાળી વાડમાં પડેલ હતા અને કઈ બોલતા ન હતા. જેથી થોડી વાર થતા 108 એમ્બ્યુલન્સ આવતા તેમાં મારા કાકા કાળુભાઈને સુવડાવી જસદણ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે લઇ ગયેલ હતા. બાદમાં ત્યાંથી જસદણ અને બાદ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. બાદમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા કાકાને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા થયાનું તબીબે જાહેર કર્યું હતું.