Paris,તા.03
યૂક્રેન અને રશિયા યુદ્ધ લાંબુ ચાલતા ડરી ગયેલા યુરોપિયન દેશો રક્ષા બજેટ પર લખલૂંટ નાણા ખર્ચી રહયા છે. ડિફેન્સ ન્યૂઝના અહેવાલ અનુસાર યુરોપીય સુરક્ષા એજન્સી કહયું હતું કે યુરોપીય સંઘના દેશોએ ગત વર્ષ રક્ષા બજેટ પર ૩૪૩ બિલિયન યૂરો એટલે કે ૪૦૨ અબજ ડોલરનો ખર્ચ કર્યો છે જે ગત વર્ષની સરખામણીમાં ૧૯ ટકા વધારે છે. ખાસ કરીને જે દેશોની સરહદો રશિયા સાથે અડે છે એ દેશો સંરક્ષણની બાબતમાં વિશેષ સર્તક થઇ ગયા છે.આના પરથી જ સાબીત થાય છે કે યુરોપીય દેશો દીર્ઘકાલિન યુધ્ધ રણનીતિ પર કામ કરી રહયા છે.ઇડીએના જણાવ્યા અનુસાર સંરક્ષણનો ખર્ચ સૈનિકોના વેતન અને બેઝકેમ્પની નિભાવણી માટે નહી પરંતુ શસ્ત્ર ખરીદી અને આર એન્ડ ડી પર થઇ રહયો છે. ૨૦૨૪માં કુલ ખર્ચ ૩૧ ટકા એટલે કે ૧૨૪ અબજ ડોલર ખર્ચ થયો હતો જેમાંથી ૧૫ અબજ ડોલર સીધો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર થયો હતો. આંકડા અનુસાર રક્ષા ઉપકરણ ખરીદવા માટે ૩૯ ટકા અને આર એન્ડ ડી ૨૦ ટકા વધારો થયો છે. આનો સીધો મતલબ કે યુરોપમાં માત્ર સૈન્યનો વિસ્તાર જ નહી ભવિષ્યમાં આવનારા ખતરાનો વિચાર કરીને તૈયારી થઇ રહી છે.
અહેવાલ મુજબ ઇયુ દેશો માત્ર શસ્ત્રો ખરીદે છે એટલું જ નહી પરંતુ નાટોના માધ્યમથી યુક્રેનને અમેરિકી શસ્ત્રો પણ પુરા પાડે છે. રશિયાએ ફેબુ્રઆરી ૨૦૨૨માં યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી યુરોપીય દેશોએ ફાઇટર જેટ અને એર ડિફેન્સ સિસ્ટમ ખરીદીને પોતાની સંરક્ષણ હરોળને મજબૂત કરી છે. આ ચીનના ખર્ચની સરખામણીમાં દોઢ ગણો અને રશિયા કરતા ૩ ગણો છે. અમેરિકા ભલે સંરક્ષણ ખર્ચમાં આગળ હોય પરંતુ યુરોપનું આ પગલું રણનીતિક ભાગીદારી માટે મહત્વનું છે. હાલમાં આ દેશો પોતાની સુરક્ષા અને ભવિષ્યમાં યુધ્ધ માટે પોતાને તૈયાર કરે છે. અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૫માં યુરોપીયન યુનિયનનં અંદાજે રક્ષા બજેટ વધીને ૪૪૬ અબજ ડોલર સુધી પહોંચવાની શકયતા છે.