Ahmedabad,તા.21
અમદાવાદમાં બોપલ વિસ્તારમાં આવેલી શાળા, સરખેજમાં આવેલી શાળા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ પ્લેન ક્રેશ વખતે BJ મેડિકલ કોલેજ અને હાઈકોર્ટને બોમ્બ મૂકાયાના થ્રેટ ઇમેઇલ દિવીજ પ્રભાકરના નામથી મળ્યા હતા.
સાયબર ક્રાઈમે ઇમેઇલ મોકલનાર રેની જોશિલ્ડા નામની આરોપી યુવતીની ચેન્નઈથી ધરપકડ કરી હતી. તેને કસ્ટડીમાં પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. અત્યારે રેની જેલમાં છે, ત્યારે તેને ઉપરોક્ત ફરિયાદો પૈકી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ મુકવાની ધમકી, પોલીસ સાથે ઝપાઝપી અને પ્લેન ક્રેશ વખતે BJ મેડિકલ કોલેજને અપાયેલી ધમકીના કેસમાં તેને જામીન મળી ચૂક્યા છે.
બોપલની શાળામાં બોમ્બ મૂકવાની ધમકીના અને સરખેજની ફરિયાદમાં સેશન્સ કોર્ટે રેનીના જામીન નકારતા તે જામીન અરજી લઈને ગુજરાત હાઇકોર્ટ પહોંચી છે. જેનીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, તેને અમદાવદામાં નોંધાયેલી અન્ય ફરિયાદોમાં જામીન મળી ગયા છે. ફક્ત સરખેજ અને બોપલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જામીન મળ્યા નથી.
કોર્ટે કહ્યું હતું કે, તમે ગુજરાત હાઇકોર્ટને પણ થ્રેટ ઇમેઇલ મોકલ્યો હતો. તમારા કારણે કેટલા લોકો હેરાન થયા. શા માટે સેશન્સ કોર્ટે તમારા જામીન નકાર્યા છે ? અરજદારે જણાવ્યું હતું કે તેના પકડાઈ ગયા બાદ પણ કોર્ટને થ્રેટ ઇમેઇલ મળ્યા છે. જો કે કોર્ટે સરકારી વકીલને સૂચના મેળવીને આ અંગે વધુ કાર્યવાહી મંગળવારે રાખી છે.

