ભાડા કરાર પૂર્ણ થયાં બાદ રૂ. 22 લાખના ફ્લેટ પર કબ્જો જમાવનાર અમિતાબેન શાહ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
Rajkot,તા.01
શહેરના રેસકોર્સ પાર્કમાં આવેલ રૂ. 22 લાખની કિંમતનો ફ્લેટ પચાવી પાડનાર મહિલા ભાડુઆત વિરુદ્ધ પ્રનગર પોલીસ મથકમાં એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પ્રાપ્ત વિગત અનુસાર અમુબેન સંજયભાઈ ચાવડા (રહે. ધરતી મકાન, લક્ષ્મી સોસાયટી શેરી નંબર-4, નાના મવા, રાજકોટ) નામની 61 વર્ષીય વૃદ્ધાએ પ્રનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમિતાબેન ઉર્ફે અમીબેન કિશોરભાઈ શાહ (હાલ રહે. મનહર પ્લોટ શેરી નંબર -11/ 15, શુભ લાભ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર-103, જયભાઈ દાવડાના મકાનમાં ભાડેથી, રાજકોટ)નું નામ આપતાં જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં પતિ સંજયભાઈ ચાવડા માર્ગ અને મકાનમાં ડેપ્યુટી ઈજનેર નિવૃત થઈ ગયા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રેસકોર્સ પાર્ક, બિલ્ડીંગ નંબર-10 ના પ્રથમ માળે તેમની અને તેમના પતિની સંયુક્ત માલિકીનો 101 નંબરનો ફ્લેટ આવેલો છે. જે ફ્લેટ વર્ષ 2021માં અમિતાબેન ઉર્ફે અમી બેનને ભાડા કરારથી રહેવા આપ્યો હતો.
જે બાદ વૃદ્ધાએ વારંવાર ભાડા કરાર કરાવી ભાડુ ચૂકવવા અથવા તો ફ્લેટ ખાલી કરી દેવા જણાવ્યા બાદ પણ ફ્લેટ પર ગેરકાયદે કબજો જમાવી ફરિયાદીની માલિકીનો રૂ. 22 લાખનો ફ્લેટ પચાવી પાડ્યો હતો. દરમિયાન ભાડુઆતે વિજબીલ નહિ ભરતા પીજીવીસીએલ દ્વારા કનેક્શન કાપી નખાતા ભાડુઆતે લંગરીયું નાખ્યું હતું જે અંગે પણ વૃદ્ધાએ પીજીવીસીએલ તંત્રમાં ફરિયાદ કરી હતી. બાદમાં વૃદ્ધાએ જિલ્લા કલેકટર કચેરી ખાતે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવા અરજી કરી હતી. જે અરજી મામલે ગુનો દાખલ કરવા જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરવામાં આવતા પ્રનગર પોલીસે અમિતાબેન ઉર્ફે અમીબેન શાહ વિરુદ્ધ એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી નોંધ્યો હતો. સમગ્ર મામલાની તપાસ હાલ એસીપી દક્ષિણ ચલાવી રહ્યા છે.